PV Narsimha Rao Bharat Ratna : પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક્સ’ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. પીએમે એક પોસ્ટમાં કહ્યું કે મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહરાવને ભારત રત્નથી નવાજવામાં આવશે.
પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ સતત આઠ ચૂંટણી જીત્યા હતા અને કોંગ્રેસ પાર્ટીમાં 50 વર્ષથી વધુ સમય વિતાવ્યા બાદ ભારતના વડાપ્રધાન બન્યા હતા. નરસિમ્હા રાવ 20 જૂન 1991થી 16 મે 1996 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. નરસિમ્હા રાવને ભારતીય રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે. તેમને ભારતમાં આર્થિક ઉદારીકરણના પિતા માનવામાં આવે છે.
નરસિમ્હા રાવ 10 ભાષાઓ બોલી શકતા હતા
P.V. નરસિંહરાવનો જન્મ 28 જૂન 1921ના રોજ આંધ્રપ્રદેશના કરીમનગરમાં થયો હતો. તેમનું પૂરું નામ હતું પામુલાપાર્તી વેંકટ નરસિમ્હા રાવ છે. તેમણે હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટી, મુંબઈ યુનિવર્સિટી અને નાગપુર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. નરસિમ્હા રાવ આઠ બાળકોના પિતા હતા. પીવી નરસિમ્હા રાવને ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓ છે. વ્યવસાયે કૃષિ નિષ્ણાત અને વકીલ એવા નરસિમ્હા રાવ રાજકારણમાં જોડાયા હતા અને કેટલાક મહત્ત્વના વિભાગો સંભાળ્યા હતા. તે 10 ભાષાઓ બોલી શકતા હતા અને અનુવાદના પણ માસ્ટર હતા.
આ પણ વાંચો – ચૌધરી ચરણ સિંહ સામે એક સમયે દેખતાં ગોળી મારવાનો આદેશ થયો હતો
આવી રહી રાજકીય કારકિર્દી
નરસિમ્હા રાવ 1957થી 1977 સુધી આંધ્રપ્રદેશ વિધાનસભાના સભ્ય હતા. 1977થી 84 સુધી લોકસભાના સભ્ય રહ્યા હતા અને ડિસેમ્બર 1984માં રામટેકથી આઠમી લોકસભામાં ચૂંટાયા હતા. તેઓ ભારતીય વિદ્યા ભવનના આંધ્ર કેન્દ્રના પ્રમુખ પણ હતા. રાવ 14 જાન્યુઆરી 1980થી 18 જુલાઈ 1984 સુધી વિદેશ મંત્રી, 19 જુલાઈ, 1984થી 31 ડિસેમ્બર, 1984 સુધી ગૃહમંત્રી અને 31 ડિસેમ્બર 1984થી 25 સપ્ટેમ્બર 1985 સુધી રક્ષામંત્રી રહ્યા હતા. તેમણે 5 નવેમ્બર, 1984થી આયોજન મંત્રાલયનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો. 25 સપ્ટેમ્બર 1985થી તેમણે રાજીવ ગાંધી સરકારમાં માનવ સંસાધન વિકાસ મંત્રીનો પદભાર સંભાળ્યો હતો.
ભારતના નવમાં વડાપ્રધાન બનતા પહેલા નરસિમ્હા રાવે ત્રણ ભાષામાં પ્રચાર કર્યો હતો. આંધ્ર પ્રદેશ સરકારમાં 1962 થી 64 સુધી કાયદા અને માહિતી પ્રધાન, 1964 થી 67 સુધી કાયદા અને ન્યાય પ્રધાન, 1967માં આરોગ્ય અને ચિકિત્સા પ્રધાન, 1968 થી 1971 સુધી શિક્ષણ મંત્રી રહ્યા હતા. તેઓ 1971થી 73 સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા. નરસિમ્હા રાવ 1975થી 76 સુધી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ, 1968થી 74 સુધી આંધ્ર પ્રદેશની તેલુગુ અકાદમીના અધ્યક્ષ અને 1972 સુધી દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભા, મદ્રાસના ઉપાધ્યક્ષ હતા.
ભારતમાં ‘આર્થિક ઉદારીકરણના પિતા’
પી.વી.નરસિમ્હા રાવને રાજકારણ ઉપરાંત કલા, સંગીત અને સાહિત્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં સારી સમજ હતી. નરસિમ્હા રાવ દક્ષિણ ભારતના પહેલા એવા વ્યક્તિ હતા, જે દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા. જ્યારે તેમણે પહેલી વાર વિદેશ પ્રવાસ કર્યો હતો ત્યારે તેમની ઉંમર 53 વર્ષની હતી. પીવી નરસિમ્હા રાવે ખૂબ જ મુશ્કેલ સમયમાં દેશની કમાન સંભાળી હતી. તે સમયે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ચિંતાજનક સ્તર સુધી ઘટી ગયો હતો અને દેશનું સોનું ગિરવે મૂકવું પડ્યું હતું. તેમણે રિઝર્વ બેન્કના અનુભવી ગવર્નર ડૉ.મનમોહન સિંહને નાણાં મંત્રી તરીકે નિયુક્ત કરીને દેશને ખરાબ આર્થિક સ્થિતિમાંથી બહાર કાઢ્યો હતો.