છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશનને રાહુલ ગાંધીએ સંબોધિત કર્યું હતું. રાહુલ ગાંધીએ આ દરમિયાન કહ્યું કે 52 વર્ષની ઉંમર થઇ ગઇ છે પણ દિલ્હીથી અલ્હાબાદ સુધી મારી પાસે પોતાનું ઘર નથી. રાહુલ ગાંધીએ આ દરમિયાન ભારત જોડો યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે યાત્રા દરમિયાન ઘણો શીખ્યો છું. હું પોતાના દેશ માટે કન્યાકુમારથી લઇવે કાશ્મીર સુધી પગપાળા ચાલ્યો. યાત્રા દરમિયાન હજારો લોકો મારી અને પાર્ટી સાથે જોડાયા. મેં ખેડૂતોની બધી સમસ્યાઓ સાંભળી અને તેમના દુ:ખનો અનુભવ કર્યો.
રાહુલ ગાંધીએ પોતાના બાળપણના દિવસોને યાદ કરતા કહ્યું કે હું 1977માં 6 વર્ષનો હતો. મને ચૂંટણી વિશે ખબર ન હતી. મેં માતાને પૂછ્યું કે શું થયું? માતાએ કહ્યું કે આપણે ઘર છોડી રહ્યા છીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે માતાએ મને પ્રથમ વખત જણાવ્યું કે આ આપણું ઘર નથી, આ સરકારનું ઘર છે. અમે માતાને પૂછ્યું કે ક્યાં જવાનું છે તો માતાએ કહ્યું કે ખબર નથી. ત્યારે મને લાગતું હતું કે તે ઘર અમારું ઘર છે. હું એ વાત પર ચકિત હતો કે 52 વર્ષ થઇ ગયા મારી પાસે ઘર નથી. અમારા પરિવારનું જે ઘર છે તે પ્રયાગરાજમાં છે પણ તે પણ અમારું ઘર નથી.
જોકે જ્યારે કાશ્મીર પહોંચ્યો તો ઘર જેવો અનુભવ થયો. યાત્રામાં બધી જાતિયો અને બધી ઉંમરના લોકોએ ઘર જેવો અનુભવ કરાવ્યો હતો. યાત્રા દરમિયાન લોકો મારી સાથે રાજનીતિક વાતો કરી રહ્યા ન હતા પણ જ્યારે હું કાશ્મીર પહોંચ્યો તો બધું બદલી ગયું.
રાહુલ ગાંધીએ આ દરમિયાન પોતાની એક કોલેજની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મને એક જૂની ઇજા હતી જે કોલેજમાં ફૂટબોલ રમતા સમયે ઘૂંટણમાં થઇ હતી. વર્ષોથી આ ત્યાં દર્દ ન હતું પણ જેવી યાત્રા શરુ કરી તો અચાનક દર્દ પાછું આવી ગયું હતું. તેમણે કહ્યું કે તમે (કાર્યકર્તા) મારા પરિવાર છો જેથી હું તમને કહી શકું છું. સવારે ઉઠીને વિચારતો હતો કે કેવી રીતે ચાલવામાં આવે. પછી વિચાર કરતો હતો કે 25 કિલોમીટર જ નહીં 3500 કિલોમીટરની વાત છે. કેવી રીચે ચાલીશ?
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : નીતિશ કુમારની અપીલ વચ્ચે, કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોને આપ્યો સ્પષ્ટ સંદેશ
કોંગ્રેસ પાર્ટી સંવિધાનમાં સંશોધન અને તેને સખત બનાવવાને લઇને ગંભીર જોવા મળી હતી. તેમાં મહત્વની ચર્ચા રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને વર્કિંગ કમિટીની ચૂંટણી અને તેની તાકાતને વધારે મજબૂત કરવા પર રહી છે. કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું. ભારત જોડો યાત્રા પછી એવું પ્રથમ વખત હતું જ્યારે કોંગ્રેસે આ પ્રકારની મીટિંગ આયોજીત કરી હતી.
શું-શું થયો છે ફેરફાર?
કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન બે ખાસ પહેલુ પર ધ્યાન આપતા સંવિધાનમાં સંશોધન કર્યા છે. કોંગ્રેસે આ દરમિયાન નક્કી કર્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની દાવેદારી કરનાર નેતા માટે જરૂરી હશે કે તેનું નામ 100 પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રતિનિધિઓ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હોય. આ સંખ્યા હાલ 10 હતી.
જ્યારે તિરુવનંતપુરના સાંસદ શશિ થરુરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જૂન ખડગેને પડકાર આપ્યો હતો તો તેમનું નામ 60 પ્રતિનિધિઓ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. ઇચ્છુક ઉમેદવાર માટે 100 પ્રતિનિધિઓનું સમર્થન મેળવવું એક મોટો પડકાર હોઇ શકે છે, ખાસ કરીને બિન સંસ્થાગત ઉમેદવારો માટે.
સોનિયા ગાંધીએ શું કહ્યું?
સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ અને સમગ્ર દેશ માટે આ પડકારજનક સમય છે. ભાજપ-આરએસએસે દેશની એક-એક સંસ્થાને કબજે કરીને બરબાદ કરી નાખી છે. તેમણે થોડા વેપારીઓને ફાયદો કરાવીને આર્થિક પાયમાલી ઊભી કરી છે. તેમણે કહ્યું કે મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વ હેઠળ 2004 અને 2009માં અમારી જીતથી મને વ્યક્તિગત સંતોષ મળ્યો પરંતુ મને સૌથી વધુ ખુશી એ છે કે મારી ઇનિંગ્સ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ, જે કોંગ્રેસ માટે ટર્નિંગ પોઈન્ટ હતી.





