કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં તેના 39માં દિવસે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી છે. જેમાં રવિવારે કર્ણાટકના બેલ્લારી પાસે રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં સામેલ કોંગ્રેસના ચાર કાર્યકરોને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગ્યા બાદ આ ચારેય કાર્યક્રરોની પ્રાથમિક સારવાર કર્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ આ અંગે માહિતી આપી હતી. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “આજે યાત્રામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની જ્યારે બેલ્લારીના મોકા નગર પાસે 4 લોકોને વીજળીનો ઝટકો લાગ્યો. રાહુલ ગાંધીએ મને અને ધારાસભ્ય નાગેન્દ્રને સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા મોકલ્યા. ભગવાનની કૃપાથી બધું બરાબર છે. કોંગ્રેસ ચારેય કાર્યકરોને એક-એક લાખની આર્થિક સહાય આપશે.
ઘાયલોને મળવા પહોંચ્યા રણદીપ સુરજેવાલાઃ-
મળતી માહિતી મુજબ રવિવારે સવારે કર્ણાટકના બેલ્લારીથી ભારત જોડો યાત્રા શરૂ થયા બાદ ઘટના સ્થળે પહોંચી હતી. યાત્રામાં સામેલ કેટલાક કાર્યકર્તાઓ પાસે લોખંડના સળિયા વાળા પાર્ટીના ઝંડા હતા. જેમાંથી ચાર લોકોને વીજળીનો શોક લાગ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ઘટનાસ્થળે હાજર ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઘાયલોને હોસ્પિટલમાં રિફર કર્યા, જ્યાં રણદીપ સુરજેવાલા તેમને મળવા આવ્યા.
રાહુલ ગાંધીએ હોસ્પટિલ જઇ હાલચાલ પુછ્યાઃ-
વીજ કરંટનો ભોગ બનેલા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોની તબિયતના ખબર અંતર પૂછવા માટે રાહુલ ગાંધી હોસ્પિટલ પહોંચ્યા હતા.
ભારત જોડો યાત્રાના 1000 km પૂર્ણ :-
કોંગ્રેસની ભારત જોડો યાત્રાના એક હજાર કિલોમીટર પૂર્ણ થવા પર રાહુલ ગાંધીએ શનિવારે કર્ણાટકના બેલ્લારીમાં એક વિશાળ રેલીને સંબોધિત કરી. આ રેલીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ સામેલ થયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસ દેશના ભાગલા પાડી રહ્યા છે. દેશમાં યુવાનોની લાચારી દેખાઈ રહી છે, તેમાનામાં ડરનો માહોલ દેખાઇ રહ્યો છે.
આ દરમિયાન રાહુલે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપની વિચારધારા દેશને નબળો પાડી રહી છે. સાથે જ તેમણે કર્ણાટક સરકારને 40 ટકા કમિશનવાળી સરકાર ગણાવી હતી. તેમણે કહ્યું કે તમે અહીં 40 ટકા કમિશન આપીને કોઈપણ કામ કરાવી શકો છો. રાહુલે કહ્યું કે અહીં લાંચ આપીને સરકારી નોકરીઓ ખરીદી શકાય છે. ભારત જોડો યાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચી હતી અને આ રાજ્યમાં 21 ઓક્ટોબર 2022 સુધી ચાલુ રહેશે. કર્ણાટક બાદ પાર્ટીની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાંથી પસાર થશે.