(તલવીન સિંહ) પૂર્વોત્તરના ત્રણ રાજ્યો – મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની અત્યંત ખરાબ હાર થઇ છે. તો બીજી તરફ રાહુલ ગાંધી સૂટ-બૂટ પહેરી, તૈયાર થઇને કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલમાં લેક્ચર આપવા માટે ઈંગ્લેન્ડ જતા રહ્યા છે. વિષય હતો ’21મી સદીમાં સાંભળવાની આદત કેવી રીતે કેળવવી’. પરંતુ મેં સાંભળેલા તેમના ભાષણના તમામ ભાગોમાં રાહુલજીએ એક વાત પર ભાર મૂક્યો: ભારતમાં લોકશાહી ખતરામાં છે કારણ કે મોદીએ છેલ્લા નવ વર્ષમાં લોકશાહી સંસ્થાઓને નબળી બનાવી છે. ગાંધી પરિવારના વારસદારોએ ઘણી વખત આવી વાતો કહી છે, પરંતુ શું તેમના રાજકીય પક્ષની દિવસેને દિવસે કથળી રહેલી હાલત પર ધ્યાન આપવાનો તેમની સમય છે?
મેઘાલય અને નાગાલેન્ડ જેવા રાજ્યો એક સમયે કોંગ્રેસના ગઢ હતા
મેઘાલય અને નાગાલેન્ડ જેવા રાજ્યો એક સમયે કોંગ્રેસના ગઢ હતા. કારણ કે કોંગ્રેસની ‘સેક્યુલર’ નીતિઓએ આ રાજ્યોમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારને ક્યારેય અટકાવ્યો નથી. જો કોઈ રાજકીય પક્ષે તેને રોકવાનો પ્રયાસ કર્યો હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે, જે ઘણા વર્ષોથી કહેતી આવી છે કે આ સરહદી રાજ્યોમાં અરાજકતા અને અલગતાવાદ ફેલાવવાનું કામ ધર્મનો પ્રચાર કરવા માટે જતા ધર્મગુરુઓ અને ધર્મપ્રચારકોએ કર્યો છે.
ભાજપ પોતાના પ્રયાસોમાં સફળ રહ્યું
ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી તેના પ્રયાસમાં ઘણી હદ સુધી સફળ રહી છે. જો આપણે ત્રિપુરાની વાત કરીએ તો, ભારતીય જનતા પાર્ટી ત્યાં ફરી સરકાર બનાવવા જઈ રહી છે, તે હકીકત હોવા છતાં કે થોડા મહિના પહેલા તેની સરકાર એટલી અપ્રિય થઈ ગઈ હતી કે મુખ્યમંત્રી બદલવાની જરૂર હતી. આ વખતે ભાજપની બેઠકો અને વોટ શેરમાં થોડી ઘટાડો થયો હોવા છતાં જીત હાંસલ કરી છે.
વર્ષ 2023માં યોજાનારી તમામ વિધાનસભાની ચૂંટણીઓનું વિશેષ મહત્વ છે. કારણ કે હવે લોકસભાની ચૂંટણીને માત્ર એક વર્ષ બાકી છે. વડાપ્રધાન આ વાતને ક્યારેય ભૂલતા નથી, તેથી પૂર્વના રાજ્યોના પરિણામો આવે તે પહેલા જ તેઓ કર્ણાટક તરફ વળ્યા હતા. શું રાહુલ ગાંધીએ પણ આવું ન કરવું જોઈતું હતું? તેમના સલાહકારો કોણ છે, જેઓ તેમને આવા દિવસોમાં વિદેશ પ્રવાસ માટે મોકલી રહ્યા છે જ્યારે તેમણે હાલ દેશમાં જ રહેવાની જરૂર હતી અને કોંગ્રેસમાં નવી ઊર્જાનો સંચાર કરવા માટે તેમની તમામ શક્તિનો ઉપયોગ કરવો જોઈતો હતો?
હાલ ગાંધીની ભારત જોડો યાત્રા ખૂબ સફળ રહી તે વાતથી સહમત છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આ કૂચનું નેતૃત્વ ખુદ રાહુલ ગાંધીએ કર્યું હતું અને જ્યાંથી કૂચ પસાર થઈ ત્યાં હજારો લોકો પોતાનું સમર્થન વ્યક્ત કરવા અને રાહુલની સામે પોતાની ફરિયાદો રજૂ કરવા માટે આવ્યા હતા.

સામાન્ય વ્યક્તિથી લઇને મોટી મોટી હસ્તીઓ પણ રાહુલ ગાંધીને સમર્થન આપવા આગળ આવી હતી. ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકારો પણ રાહુલ સાથે કદમથી કદમ મિલાવીને ચાલ્યા હતા. આ યાત્રાએ કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં નવા ઉત્નો સંચાર કર્યો છે તેમાં કોઈ શંકા નથી. પણ આ ઉત્સાહનું શું કરવું, જ્યારે આપણા સૌથી જૂના રાજકીય પક્ષનાં મૂળિયાં એટલાં નબળાં પડી ગયાં છે કે આખું માળખું પોકળ બની ગયું છે?
કોંગ્રેસ પક્ષનને પુનર્જીવિત કરવાની જવાબદારી હવે પાર્ટી નવા અધ્યક્ષની છે, તેમ છતાં મલ્લિકાર્જુન ખડગે ઉત્તર ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ઓછા જાણીતા છે આથી આ કામગીરી તેમના માટે અશક્ય તો નહીં પણ મુશ્કેલ જરૂર છે. આ એક એવું કામ છે, જે ગાંધી પરિવારના સભ્યો જ કરી શકે છે. રાહુલની માતાએ તાજેતરમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં સંકેત આપ્યા હતા કે, હવે તેઓ કોંગ્રેસના કામકાજથી દૂર રહેવા માંગે છે.
તો શું સોનિયા ગાંધી રાજનીતિથી દૂર રહેશે
પછી જ્યારે પ્રશ્નો ઉભા થવા લાગ્યા કે શું આનો અર્થ એ છે કે, તેઓ રાજકારણથી પણ દૂર રહેવા માંગે છે, ત્યારે કોંગ્રેસના પ્રવક્તાઓ સ્પષ્ટતા કરવા માટે આગળ આવ્યા કે તે બિલકુલ નથી. સોનિયા ગાંધી છેલ્લા 23 વર્ષથી કોંગ્રેસના અધ્યક્ષ છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસે બે સામાન્ય ચૂંટણીઓ જીતી અને એટલી શક્તિશાળી બની કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકીય મંચ પર ન આવ્યા ત્યાં સુધી એવું લાગતું હતું કે કોંગ્રેસને કોઈ હરાવી શકશે નહીં.
સોનિયાજીની સૌથી મોટી ભૂલ એ રહી છે કે 2014ની હાર પછી તેમણે કોંગ્રેસની હારના કારણો શું છે તે જાણવાનો કોઈ નિષ્ઠાવાન પ્રયાસ ન કર્યો. સોનિયાજી બહુ મોટા ભ્રમ રહ્યા અને 2017માં ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમે મોદીને ફરી પાછા આવવા નહીં દઈએ’.

પરંતુ જ્યારે મોદીએ 2019માં સંપૂર્ણ બહુમતી લોકસભાની ચૂંટણી જીતી ત્યારે એવું લાગતું હતું કે કોંગ્રેસમાં ખળભળાટ મચી જશે અને ઘણા વરિષ્ઠ નેતાઓએ પાર્ટી છોડી દીધી, કારણ કે એવું લાગતું હતું કે કોંગ્રેસ હવે અંતિમ શ્વાસ લઈ રહી છે. ભારત જોડો યાત્રાએ અમુક અંશે ભાંગી પડેલી કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંક્યો છે, પરંતુ હવે યાત્રાના કામને આગળ વધારવાનો સમય આવી ગયો છે.
કોંગ્રેસનું પુનરુત્થાન દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ લોકતાંત્રિક દેશ માટે જ્યારે વિરોધ પક્ષનું સ્થાન ખાલી થઇ જા ત્યારે ખતરાની ઘંટડી રણકવા લાગે છે. વિપક્ષમાં એક જ રાજકીય પક્ષ છે જે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે છે અને તે છે કોંગ્રેસ. માત્ર ભારત જોડો યાત્રાથી ચાલશે નહીં.
આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા કોંગ્રેસે તેના નબળા પડી ગયેલા મૂળિયાઓને ફરીથી મજબૂત કરવા પડશે અને આ ત્યારે જ થશે જ્યારે કોંગ્રેસના ટોચના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ પાસેથી શીખશે કે રાજકારણમાં બ્રેક લેવા માટે કોઈની પાસે સમય નથી. જે લોકો જનતાની સેવા કરવા નીકળે છે, તેમનામાં રાત-દિવસ કામ કરવાની શક્તિ હોવી જોઈએ.