કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર કરેલી ટિપ્પણી પર આપરાધિક માનહાની કેસમાં દોષિત જાહેર થયા પછી વધુ એક ફટકો પડ્યો છે. હવે રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીના સંબંધમાં લોકસભા સચિવાલયે નોટિફિકેશન જાહેર કર્યું અને તેની કોપી તેમને મોકલી દીધી છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી.
આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાહુલ ગાંધી દેશની સામે સચ્ચાઇ રાખી રહ્યા છે અને સાચું બોલનાર સામે કાર્યવાહી થઇ છે. લોકતંત્ર માટે લડતા રહેશે. સાચું બોલવા પર સજા મળી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને બીજેપી પર પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું કે નીરવ મોદી કૌભાંડ – 14,000 કરોડ, લલિત મોદી કૌભાંડ – 425 કરોડ, મેહુલ ચોક્સી કૌભાંડ – 13,500 કરોડ, જે લોકોએ દેશના પૈસા લુટ્યા ભાજપા તેમના બચાવમાં કેમ ઉતરી છે? તપાસથી કેમ ભાગી રહી છે? જે લોકો તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે તેના પર કેસ કરવામાં આવી રહ્યા છે. શું ભાજપ ભ્રષ્ટાચારીઓનું સમર્થન કરે છે?

આ પણ વાંચો – રાહુલ ગાંધીની સજા બાદ : એક સાંસદ ગેરલાયક કેવી રીતે બને છે?
શું છે સમગ્ર કેસ?
કર્ણાટકમાં લોકસભા ચૂંટણીની રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? આ મામલે કોર્ટમાં કોલાર, કર્ણાટકના તત્કાલિન ચૂંટણી અધિકારી અને ભાષણ રેકોર્ડ કરનાર ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડરનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અપરાધિક માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. સુરતની અદાલતે માનહાની કેસમાં 23 માર્ચે ચુકાદો આપ્યો હતો. રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરતની કોર્ટે ચુકાદો આપતાં માનહાની કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા.