Rahul Gandhi disqualified : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાંથી ગેરલાયક ઠર્યા બાદ આજે બપોરે તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોદી સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે, દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આના દાખલા આપણે દરરોજ જોઈ રહ્યા છીએ. મેં સંસદમાં પીએમ મોદી અને અદાણી વચ્ચેના સંબંધો વિશે પ્રશ્નો પૂછ્યા. નિયમોમાં ફેરફાર કરીને અદાણીને એરપોર્ટ આપવામાં આવ્યું, મેં સંસદમાં આ અંગે વાત કરી હતી.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પૂછ્યું, “વડાપ્રધાનને એક સરળ પ્રશ્નથી બચાવવા માટે આ એક સંપૂર્ણ નાટક છે – અદાણીની શેલ કંપનીઓના 20,000 કરોડ રૂપિયા કોની પાસે ગયા? હું આવી ધમકીઓ, ગેરલાયકતા કે જેલથી ડરવાનો નથી. જો તેઓ મને કાયમ માટે ગેરલાયક ઠેરવે તો પણ હું મારું કામ ચાલુ રાખીશ. હું સંસદમાં હોઉં કે ન હોઉં તેનાથી કોઈ ફરક પડતો નથી. હું દેશ માટે લડતો રહીશ.”
ગેરલાયક થયા બાદ પોતાની પહેલી ટીપ્પણીમાં વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતુ કે, તે કોઈ પણ કિંત ચુકવવા તૈયાર છે. રાહુલ ગાંધીએ કાલે ટ્વીટ કરી લખ્યું હતુ કે, હું ભારતના અવાજ માટે લડતો રહીશ, તેના માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છુ.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની વાયનાડ સીટ પણ તેમના ગેરલાયક ઠર્યા બાદ ખાલી પડી. રાહુલ ગાંધીને ગુરુવારે 2019ની ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણી બદલ માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમણે કર્ણાટકના કોલારમાં કથિત રીતે ટિપ્પણી કરી હતી, “કેવી રીતે તમામ ચોરોની અટક મોદી છે”, જેના પગલે વિવિધ રાજ્યોમાં તેમની સામે અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો – 2024 સુધીની દોડ: કોંગ્રેસ કોર્ટની અંદર કાયદાની અને બહાર રાજકીય લડાઈ માટે તૈયારી કરી રહી
સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા ચુકાદા સામે અપીલ કરવા માટે તેમને 30 દિવસના જામીન પણ આપ્યા હતા. ચુકાદા પછી તેમની પ્રથમ ટિપ્પણીમાં, તેમણે મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરીને ટ્વિટ કર્યું, “મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે, અહિંસા તેને પ્રાપ્ત કરવાનું સાધન છે.”