Nitish Kumar U Turn : બિહારના સીએમ નીતિશ કુમારના યૂ-ટર્ન બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા આવી છે. પૂર્ણિયામાં એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે બિહારના મુખ્યમંત્રી થોડા દબાણમાં આવીને વિખેરાઇ ગયા હતા. આ દરમિયાન તેમણે જોક્સ કહીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર કટાક્ષ કર્યો હતો.
રાહુ ગાંધીએ પૂર્ણિયાની રેલીમાં કહ્યું કે તમારા સીએમ રાજ્યપાલના ત્યાં શપથ લેવા માટે ગયા હતા, ત્યાં શપથ લીધા હતા. ભાજપના નેતાઓ અને રાજ્યપાલ ત્યાં બેઠા હતા. શપથ બાદ તેઓ સીએમ હાઉસમાં પાછા જાય છે. પાછા ફરતી વખતે ગાડીમાં હોય છે ત્યારે ખબર પડે છે કે તે પોતાની શાલ ગવર્નરના ઘરે ભૂલી આવ્યા છે. પછી તે ડ્રાઇવરને કહે છે કે પાછા ચાલો, શાલ લેવા માટે. જ્યારે તે રાજ્યપાલના ઘરે પહોંચે છે ત્યારે તે નીતિશ કુમારને જોઈને કહે છે કે ભાઈ આટલા જલ્દી પાછો આવી ગયા. બિહારની આવી હાલત છે.
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ વધુમાં કહે છે કે થોડું દબાણ આવે છે અને યૂ-ટર્ન લે છે. દબાણ કેમ પડ્યું કારણ કે બિહારમાં અમારા ગઠબંધને એક વાત જનતાની સામે રાખી છે. આ યાત્રામાં અમે પાંચ ન્યાયની વાત કરી રહ્યા છીએ. તેમાં એક ન્યાય સામાજિક ન્યાય કહો કે ભાગીદારી કહો.
આ પણ વાંચો – ભાજપે ચંદીગઢ મેયરની ચૂંટણી જીતી, અરવિંદ કેજરીવાલે કહ્યું – ધોળા દિવસે છેતરપિંડી થઇ
જાતિગત વસ્તી ગણતરીની વાત ફરી લોકો સામે રાખી
રાહુલ ગાંધીએ પૂર્ણિયાની રેલી દરમિયાન કહ્યું કે હિન્દુસ્તાનનો એક્સ રે થઇ જાય કે આ દેશમાં કોની કેટલી વસ્તી છે. લોકોની સંખ્યા ગણાઇ જાય. જનરલ જ્ઞાતિના કેટલા લોકો છે, તેમાંથી કેટલા શ્રીમંત છે. એ જ રીતે અન્ય જ્ઞાતિઓ વિશે પણ માહિતી સામે આવે. આ જ્ઞાતિઓમાં કેટલા ખેડૂતો છે, કેટલા મજૂરો છે અને શું-શું કરી રહ્યા છે તે પણ જાણી લેવું જોઈએ. સામાજિક ન્યાયનો આ જ અર્થ થાય છે અને પ્રથમ પગલું એ છે કે દેશનો એક્સ-રે કરવો છે.
નીતીશજી ક્યાં ફસાયા?
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે મેં નીતિશને સ્પષ્ટ કહ્યું હતું કે તમારે બિહારમાં જાતિની વસ્તી ગણતરી કરવી પડશે, અમે તમને છૂટ નહીં આપીએ. આરજેડી અને અમે નીતીશજી પર દબાણ લાવીને આ કામ કર્યું છે. પછી બીજી બાજુથી દબાણ આવ્યું. ભાજપ આ દેશનો એક્સ-રે થાય તેમ ઇચ્છતી નથી. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. કેટલા દલિત, આદિવાસી અને ગરીબ લોકો છે તે જાણી શકાશે. ભાજપ આ નથી ઇચ્છતી. નીતિશ કુમાર વચ્ચે ફસાઈ ગયા. ભાજપે તેમને વચ્ચે બહાર નીકળવાનો રસ્તો આપ્યો. તેઓ તે રસ્તે ચાલ્યા ગયા. બિહારમાં સામાજિક ન્યાય આપવાની જવાબદારી અમારા ગઠબંધનની છે, અહીં નીતિશ કુમારની કોઇ જરૂર નથી. અહીં અમે અમારું કામ કરી લઇશું.