Rahul Gandhi News: રાહુલ ગાંધી ફરી એકવાર ફ્લાઇંગ કિસ આપીને વિવાદોમાં ફસાયા છે. સાંસદ તરીકે ફરીથી સભ્ય બન્યા પછી તેમણે સંસદમાં પોતાનું પહેલું ભાષણ આપ્યું હતું. પોતાનું ભાષણ પૂરું કર્યા બાદ જ્યારે રાહુલ ગાંધી બહાર જઈ રહ્યા હતા ત્યારે કંઈક એવું થયું જેનો મહિલા સાંસદોએ વિરોધ કર્યો છે. મહિલા સાંસદોએ વિરોધ વ્યક્ત કરતો પત્ર રજૂ કર્યો છે અને લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સંસદમાં ભાજપના સાંસદોને ફ્લાઈંગ કિસનો ઇશારો કર્યો હતો. આ ઘટના બાદ મહિલા સાંસદો ગુસ્સે થઇ ગયા ગતા અને તેમણે આ મામલે લોકસભા સ્પીકરને ફરિયાદ પત્ર સોંપ્યો હતો. હવે જોવું રહ્યું કે આ કેસમાં રાહુલ ગાંધી સામે કાર્યવાહી થાય છે કે નહીં? આ લેખમાં આપણે જાણીશું કે ફ્લાઇંગ કિસ પર કઈ કલમો હેઠળ એફઆઈઆર નોંધી શકાય છે અને શું સજા થઇ શકે છે.
2019ના કિસ્સા પરથી સમજીએ
એક કિસ્સામાં એક પુરુષને પરિણીત સ્ત્રીને ફ્લાઇંગ કિસ કરવાનું ભારે પડ્યું હતું. આ મામલો મોહાલીના ફેઝ 11નો છે. મહિલાએ તેની ફરિયાદ કરી હતી. આ પછી કેસ ચાલ્યો અને પંજાબના મોહાલીની એક કોર્ટે મહિલાની ફરિયાદ પર કાર્યવાહી કરતા આરોપીને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી અને 3 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
બીજો કેસ 2013નો છે
એક સગીર છોકરીની આંખ મારવા અને ફ્લાઇંગ કિસ કરવા બદલ બે યુવકોને જેલની સજા ફટકારવામાં આવી હતી. સગીરાની ફરિયાદ પરથી આઈપીસીની કલમ 509 (મહિલાની ઇજ્જતનો અનાદર કરવો) અને સ્પેશિયલ એક્ટની કલમ 12 મુજબ ગુનો નોંધી બંને યુવકોની ધરપકડ કરી હતી. કોર્ટે તેને 6 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યો હતો. જોકે બાદમાં તેના વકીલે તેની ઉંમર અને ભવિષ્યનો હવાલો આપ્યો તો કોર્ટે તેને ચેતવણી આપીને છોડી દીધા હતા.
આ પણ વાંચો – રાહુલ ગાંધીનું અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં ભાષણ – ‘તમે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી
નિર્ભયા કેસ બાદ સ્પેશિયલ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ
વર્ષ 2012 પહેલા ફ્લાઈંગ કિસ જેવી હરકતો પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હતી. છેડછાડ પર આઈપીસીની કલમ 354 અને અશ્લિસ હરકતો પર કલમ 509 હેઠળ કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ નિર્ભયા કેસ પછી આવા કેસો પર સ્પેશ્યલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આ કાયદામાં આ ગુનાઓને બિનજામીનપાત્ર બનાવવામાં આવ્યા છે. લીગલ એક્સપર્ટ દિનેશ શર્માના જણાવ્યા અનુસાર આમ કરવાથી 3 વર્ષ સુધીની જેલની સજા અને દંડ (IPCની કલમ 509 હેઠળ) થઈ શકે છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગણાવ્યું અભદ્ર
રાહુલ ગાંધીએ ફ્લાઈંગ કિસ આપ્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેને અભદ્ર ગણાવ્યું હતું. સંસદમાં ભાષણ આપતી વખતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સંસદમાં મહિલા વિરોધી વ્યક્તિ જ મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપી શકે છે. આવું ઉદાહરણ અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. આ બતાવે છે કે તે મહિલાઓ વિશે શું વિચારે છે, આ અભદ્ર છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી ભાષણ આપ્યા બાદ લોકસભા પરિસર છોડીને જઈ રહ્યા હતા. ત્યારે તેમની કેટલીક ફાઈલો પડી ગઈ હતી. તે ફાઇલો ઉઠાવવા માટે નીચે ઝુક્યા તો ભાજપના કેટલાક સાંસદો હસી પડ્યા હતા. આ પછી રાહુલ ગાંધીએ ભાજપના સાંસદો ફ્લાઇંગ કિસ આપી અને હસતા હસતા બહાર નીકળી ગયા હતા.





