scorecardresearch

લંડન પ્રવાસ પછી પ્રથમ વખત સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- જો મંજૂરી મળશે તો સદનમાં બોલીશ

Rahul Gandhi in Parliament : રાહુલ ગાંધીએ કહ્યું – સરકારના ચાર મંત્રીઓએ મારા પર આરોપ લગાવ્યો હતો જેથી મને સદનમાં પોતાની વાત રાખવાનો અધિકાર છે. મને આશા છે કે મને કાલે સંસદમાં બોલવા દેવામાં આવશે

લંડન પ્રવાસ પછી પ્રથમ વખત સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી,  સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- જો મંજૂરી મળશે તો સદનમાં બોલીશ
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી (Express Photo: Anil Sharma)

ભારતમાં લોકતંત્રને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટિપ્પણી પર બીજેપી સતત પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે સંસદ પહોંચ્યા અને તેમણે કહ્યું કે જો મને મંજૂરી આપવામાં આવી તો તે સદનમાં બોલશે. સંસદમાંથી બહાર નીકળતા સમયે રાહુલે કહ્યું કે જો મને સંસદમાં બોલવાની મંજૂરી આપશે તો હું તે જ કહીશ જે મને લાગે છે. સરકારે લંડનમાં કરેલી તેમની ટિપ્પણીને પર માફી માંગવાની માંગણી કરી છે.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી. તેમણે કહ્યું કે સવારે હું સંસદ ગયો અને લોકસભા અધ્યક્ષ સાથે વાત કરી કે હું બોલવા માંગું છું. સરકારના ચાર મંત્રીઓએ મારા પર આરોપ લગાવ્યો હતો જેથી મને સદનમાં પોતાની વાત રાખવાનો અધિકાર છે. મને આશા છે કે મને કાલે સંસદમાં બોલવા દેવામાં આવશે. કેટલાક દિવસો પહેલા મેં મોદીજી અને અદાણીજી પર સવાલ ઉઠાવતા સદનમાં ભાષણ આપ્યું હતું, તે ભાષણ હટાવી દેવામાં આવ્યું હતું. ભાષણમાં એવું કશું જ ન હતું જેને સાર્વજનિક રેકોર્ડથી કાઢવામાં આવે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે હું સંસદની અંદર બોલીશ તો તે ભાજપને પસંદ પડશે નહીં. જો મને મંજૂરી આપવામાં નહીં આવે તો તે સદનની બહાર બોલશે. આ દરમિયાન ઘણા વિપક્ષી દળોના નેતાઓએ સંસદ ભવન પરિસરની અંદર એક માનવ સાંકળ બનાવી હતી.

આ પણ વાંચો – પેઈન્ટિંગ, કલા, શિલ્પો… સંસદની નવી ઇમારતમાં 5000 વર્ષનો સનાતન પરંપરાનો ઈતિહાસ હશે, જાણો વિશેષતાઓ

માનવ શ્રૃંખલા બનાવવાનો નિર્ણય રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. ડીએમકે, એનસીપી, એસપી, આરજેડી, બીઆરએસ, સીપીઆઈએમ, સીપીઆઈ, જેડીયુ, શિવસેના(UBT), જેએમએમ, એમડીએમકે, આપ, વીસીકે અને આઈયુએમએલના નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. ટીએમસીએ બેઠકમાં ભાગ લીધો ન હતો.

વિપક્ષ સતત અદાણીના મુદ્દા પર હંગામો કરી રહ્યું છે. અદાણીના શેરોના મુદ્દે વિપક્ષ JPC તપાસની માંગણી કરી રહ્યું છે. મલ્લિકાર્જુન ખડગએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય છે કે અદાણી મામલાની જેપીસી તપાસના સંબંધમાં ચર્ચા થવી જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે જેપીસી બને જેથી અમે વિરોધ કરી રહ્યા છીએ. સરકાર સાંભળી રહી નથી. સરકારના મંત્રી અને બીજેપી સાંસદ સદનને બંધ કરવા માટે હંગામો કરી રહ્યા છે.

Web Title: Rahul gandhi hits back want to speak in parliament

Best of Express