કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ‘ભારત જોડો યાત્રા’થી ઘણા ચર્ચામાં આવ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ટ્રાવેલ એન્ડ ફૂડ ચેનલ કર્લી-ટેલ્સના એડિટર ઇન-ચીફ કામિયા જાની સાથે એક ઇન્ટરવ્યૂમાં નિખાલસતા સાથે વાતચીત કરી છે. રાહુલ ગાંધીએ કામિયા જાનીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમના અભ્યાસ, મનપસંદ ભોજન, લગ્ન કરવાના વિચારથી લઇને વ્યક્તિગત જીવનની વિવિધ બાબતો વિશે વાતચીત કરી છે. રાહુલ ગાંધીએ એ વાત પણ જણાવી કે, તેમણે પહેલી નોકરી કઇ કંપનીમાં કરી હતી અને કેટલો પગાર મળ્યો હતો.
રાહુલ ગાંધીએ ક્યાં પહેલી નોકરી કરી?
રાહુલ ગાંધીએ પહેલી નોકરી લંડનમાં કરી હતી. તેમણે એક સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સ કંપનીમાં પહેલી નોકરી કરી હતી, જેનું નામ ‘મોનિટર કંપની’ હતું.. આ એક કોર્પોરેટ નોકરી હતી, જ્યાં રાહુલ ગાંધી એક સામાન્ય કર્મચારીની જેમ દરરોજ ઓફિસ જતા હતા. આ ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, તેમને આ જોબમાં 3,000 પાઉન્ડનો પહેલો પગાર મળ્યો હતો. આ પગાર તેમણે ભાડા અને અન્ય રોજબરોજની જરૂરિયાતો પાછળ ખર્ચ્યો હતો. ત્યારે રાહુલ ગાંધીની ઉંમર લગભગ 24-25 વર્ષની હતી.
રાહુલ ગાંધીએ ક્યાં અભ્યાસ કર્યો?
રાહુલ ગાંધીનું નામ ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલું છે. એવી પણ મૂંઝવણ છે કે તેમણે ક્યાંથી અભ્યાસ કર્યો અને ક્યાંથી નહીં. ઈન્ટરવ્યુમાં જ્યારે રાહુલને તેમની શૈક્ષણિક લાયકાત વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેમણે શાળાનો અભ્યાસ દિલ્હીમાં કર્યો છે. તેમના દાદી ઈન્દિરા ગાંધીની હત્યા બાદ સુરક્ષાના કારણોસર તેમનું ઘરમાં જ શાળાનું શિક્ષણ એટલે કે હોમ સ્કૂલિંગ શરૂ થયું હતુ.

ઉચ્ચ શિક્ષણ માટે તેમણે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં એક વર્ષ સુધી અભ્યાસ કર્યો. ત્યાં તેમણે ઈતિહાસમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી ગયા, જ્યાં તેમણે ‘ઇન્ટરનેશનલ રિલેશન્સ ઇન પોલિટિક્સ’ વિષયનું વાંચન કર્યું. રાહુલ હાર્વર્ડમાં ગયા ત્યારે તેમના પિતા અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર ફરી એકવાર તેમણે હાર્વર્ડમાંથી અભ્યાસ છોડવો પડ્યો.
ત્યારબાદ તેઓ અમેરિકાના ફ્લોરિડામાં આવેલી રોલિન્સ કોલેજમાં ગયા, જ્યાં તેમણે ‘ઈન્ટરનેશનલ રિલેશન્સ ઇન ઈકોનોમિક્સ’ વિષયમાં અભ્યાસ કર્યો. રાહુલ ગાંધીએ ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી.
રાહુલ ગાંઘીને લગ્ન માટે કેવી કન્યા ગમે છે?
રાહુલ ગાંધીના લગ્ન વિશે હંમેશા ચર્ચા થતી રહે છે. કામિયા જાની સાથે નિખાલસ વાત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કહ્યું કે જ્યારે યોગ્ય કન્યા મળશે ત્યારે તે લગ્ન કરશે. તેમની ચેકલિસ્ટમાં માત્ર “એક પ્રેમાળ વ્યક્તિ, જે બુદ્ધિશાળી પણ હોય” એવી વ્યક્તિનો સમાવેશ થાય છે. “જ્યારે યોગ્ય છોકરી મળશે, ત્યારે હું લગ્ન કરીશ. મને લાગે છે કે જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે મારી અપેક્ષા ઘણી વધારે છે કારણ કે મારા માતા-પિતાના લગ્નસંબંધ ખરેખર સુંદર હતા,” એવું તેમણે ઉમેર્યું. અત્રે નોંધનિય છે કે, રાહુલ ગાંધીની ઉંમર 52 છે. તેમનો જન્મ 19 જૂન, 1970ના રોજ દિલ્હીમાં થયો હતો.
રાહુલ ગાંધીને મનપસંદ વાનગી
ખાણીપીણીની આદતો વિશે ચર્ચા કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેમને ફણસ (kathal) અને વટાણા ખાવા પસંદ નથી.
રાહુલે જણાવે છે કે, તેઓ મોટે ભાગે “નોન-વેજ” ભોજનનું વધારે પસંદ કરે છે, અને દિલ્હીમાં મોતી મહેલમાં જમવાનું સૌથી વધારે ગમે છે, ઉપરાંત સ્વાગત અને સર્વણા ભવન જમવા માટેના તેમના મનપસંદ સ્થળો પૈકીના એક છે.
રાહુલ ગાંધી વડાપ્રધાન બને તો શું કરશે?
આ ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, જો તેઓ વડાપ્રધાન બને તો સૌથી પહેલા શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર કરશે. બીજું, તે મધ્યમ કદના ઉદ્યોગો – વ્યવસાયોને મદદ કરશે. રાહુલે કહ્યું કે આ બે કામગીરી ઉપરાંત તેઓ ખેડૂતો અને બેરોજગાર યુવાનો સહિત મુશ્કેલ સમયમાં પસાર થઈ રહેલા લોકોની સાથે ઊભા રહેશે.