કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ‘મોદી સરનેમ કેસ’ના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ કેસમાં રાહુલ ગાંધીએ સુરતની અદાલતે આપેલા ચુકાદાની વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જો કે હવે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ ગીતા ગોપીએ બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ક્રિમિનલ રિવિઝન પિટિશનની પર સુનાવણી કરવાથી પોતાને અલગ કરી લીધા છે.
રાહુલ ગાંધી તરફથી કેસ લડનાર સિનિયર વકીલ પંકજ ચાંપાનેરીએ બુધવારે સવારે જસ્ટિસ ગીતા ગોપીની કોર્ટમાં 29 એપ્રિલે સુનાવણી માટે તેમની અરજીની તાત્કાલિક સુનાવણીની માંગણી કરી હતી.
ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ ગીતા ગોપીએ સુનાવણીમાંથી પોતાને અલગ કર્યા બાદ સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ પર સુનાવણી થવાનું નક્કી થઇ શક્યુ નથી. 25 એપ્રિલે ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધીએ પોતાના વકીલ મારફતે સુરતની અદાલતે આપેલા ચુકાદાને પડકાર્યો હતો. જ્યારે રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ તાત્કાલિક સુનાવણીની માંગણી કરી, ત્યારબાદ અદાલતે કહ્યુ કે, ‘નોટ બીફોર મી’. તો ત્યારબાદ રાહુલ ગાંધીના વકીલે કહ્યુ કે, આ મામલે કોઇ અન્ય અદાલત સમક્ષ રજૂ કરવા માટે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશને એક નોંધ મોકલવામાં આવશે અને ચીફ જસ્ટિસ સુનાવણી માટે સિંગલ ખંડપીઠ નક્કી કરશે.
રાહુલગાંધીના વકીલે કહ્યું કે, નીચલી અદાલતના ચુકાદાને પડકારતી અપીલની સુનાવણી ન્યાયાધીશ ગીતા ગોપી જ કરે છે. આથી તેમની સમક્ષ આ કેસ રજૂ કરવામાં આવ્યો હતો. તેમમે કહ્યુ કે, જ્યારે અદાલતે પ્રથમ કેસને બુધવારે અદાલતની સમક્ષ મૂકવા માટે કહ્યુ હતુ. પરંતુ જ્યારે કેસ સુનાવણી માટે આવ્યો તો કોર્ટે પોતાને અલગ કરી દીધા.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કર્યો, કહ્યું – સાચું બોલવાની કિંમત ચુકવી
વર્ષ 2019માં ચુંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેમની વિરુદ્ધ સુરત કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો અને ગયા મહિને જ તેનો ચુકાદો આવ્યો છે. સુરતની અદાલતે પોતાના ચુકાદામાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીએ લોકસભાની સદસ્યતા પણ ગુમાવી દીધી અને છેવેટ તેમને બંગલો પણ ખાલી કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાહુલ ગાંધીએ સુરત કોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ આખરે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટ દરવાજા ખટખટાવ્યા છે.