રાહુલ ગાંધી હવે જેલમાં જશે? ગુજરાત હાઇકોર્ટે રાહત ન આપતાં કોંગ્રેસ નેતા પાસે શું છે વિકલ્પ? ચૂંટણી લડી શકશે કે કેમ?

રાહુલ ગાંધી સામેના મોદી સરનેમ વિવાદ કેસમાં કોર્ટે શું કહ્યું? શું હવે રાહુલ ગાંધીને જેલ જવું પડશે? રાહુલ ગાંધી પાસે જેલ ન જવા અંગે શું છે વિકલ્પ? આવો જાણીએ

Written by Haresh Suthar
Updated : July 07, 2023 14:38 IST
રાહુલ ગાંધી હવે જેલમાં જશે? ગુજરાત હાઇકોર્ટે રાહત ન આપતાં કોંગ્રેસ નેતા પાસે શું છે વિકલ્પ? ચૂંટણી લડી શકશે કે કેમ?
લોકસભા ચૂંટણી 2024 જીતવા મહાગઠબંધન બેઠકમાં ઉપસ્થિત વિપક્ષોને રાહુલ ગાંધીનું સંબોધન

રાહુલ ગાંધી સામે ચાલી રહેલા કેસમાં ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની અરજી રદ કરી છે. મોદી સરનેમ વિવાદ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે રાહત ન આપતાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ધરપકડની તલવાર લટકી રહી છે. વિવાદીત મામલે રાહુલ ગાંધીએ કોર્ટ પાસે રાહતની માંગ કરતી અરજી કરી હતી પરંતુ કોર્ટે તે રદ કરી દેતાં હવે રાહુલ ગાંધી સામે કાયદાની ભીંસ વધતી દેખાઇ રહી છે. આગામી લોકસભા ચૂંટણી 2024 લડવા અંગે પણ સવાલ ઉભા થતા દેખાઇ રહ્યા છે.

રાહુલ ગાંધી કેસમાં કોર્ટે શું કહ્યું?

રાહુલ ગાંધીએ મોદી સરનેમ વિવાદ કેસમાં રાહત માટે અરજી કરી હતી જોકે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નકારી છે. કોર્ટે કહ્યું કે, રાહુલ વિરૂધ્ધ 10 જેટલા કેસ ચાલી રહ્યા છે. આવો જ એક કેસ વીર સાવરકરના પૌત્રએ પણ દાખલ કર્યો છે. કોર્ટે કહ્યું કે, આ મામલે કોર્ટ દ્વારા અગાઉ અપાયેલ આદેશમાં હસ્તક્ષેપ કરવાની કોઇ જરૂર દેખાતી નથી માટે આ અરજી રદ કરવામાં આવે છે.

રાહુલ ગાંધી શું હવે જેલ જશે?

કોર્ટે અગાઉ આપેલ સજા સામે રાહુલ ગાંધીએ કરેલી રાહત અરજી કોર્ટે નકારી કાઢતાં રાહુલ ગાંધીને હવે જેલમાં જવું પડશે? આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. જોકે કાયદા તજજ્ઞોના મત અનુસાર રાહુલ ગાંધી પાસે હજુ પણ હાઇકોર્ટની ઉચ્ચ બેન્ચ કે પછી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનો વિકલ્પ ખુલ્લો છે. અહીં તેઓ જામીન અરજી કરી શકે છે અને કોર્ટેને લાગે તો રાહત મળી શકે છે. પરંતુ જો કોર્ટ ત્યાં પણ અરજી અસ્વીકાર કરે અને કોઇ રાહત ન આપે તો રાહુલ ગાંધીને જેલ જવાનો વારો આવી શકે છે.

મોદી સરનેમ વિવાદ શું છે, જાણો ?

રાહુલ ગાંધીએ વર્ષ 2019 માં મોદી સરનેમને લઇને ટિપ્પણી કરી હતી જેને લઇને સુરત કોર્ટમાં કેસ દાખલ થયો હતો. જેમાં 23 માર્ચે કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનો આદેશ કર્યો હતો. જોકે કોર્ટે આ સજાની અમલવારી પહેલા રાહુલ ગાંધીને 30 દિવસનો સમય આપ્યો હતો. આ સજા સામે રાહત માટે રાહુલ ગાંધીએ અરજી કરી હતી જે કોર્ટે રદ કરી છે. વર્ષ 2019 લોકસભા ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક જાહેર સભામાં કરેલી ટિપ્પણી અંગે ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂધ્ધ માનહાનિ અંતર્ગત કેસ દાખલ કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ