Rajasthan Assembly Election 2023 : રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. વિધાનસભા ચૂંટણીમાં ફરી સત્તા મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત જનતા માટે ઘણી યોજનાઓ લોન્ચ કરી રહ્યા છે. બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસને સત્તામાંથી હટાવવા માટે પોતાની તૈયારી તેજ કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ભાજપ રાજ્યમાં ચૂંટણીની તૈયારીને ધાર આપવા માટે ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા ટોચના નેતાને સક્રિય કરશે.
રાજસ્થાનમાં ભાજપ 4 પરિવર્તન યાત્રા કાઢશે
સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનમાં 23 દિવસોની અંદર ચાર પરિવર્તન યાત્રા કાઢવા જઇ રહી છે. બીજેપીએ તેને લઇને કાર્યક્રમ પર તૈયાર કરી લીધો છે. મળેલી જાણકારી પ્રમાણે સપ્ટેમ્બરની 2,3,4 અને 5 તારીખે યાત્રા શરૂ થશે. આ બધી યાત્રા 25 સપ્ટેમ્બરે જયપુર પહોંચશે જ્યાં પીએમ નરેન્દ્ર મોદી એક મેગા રેલીને સંબોધિત કરશે.
અમિત શાહ પ્રથમ યાત્રાને હરી ઝંડી બતાવશે
ગૃહ મંત્રી અમિત શાહ પ્રથમ પરિવર્તન યાત્રાને સવાઇ માધોપુરના ત્રિનેત્ર ગણેશ મંદિરથી હરી ઝંડી બતાવીને રવાના કરશે. જ્યારે બીજી યાત્રાને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રવાના કરશે. બીજી પરિવર્તન યાત્રા ડુંગરપુરના બેણેશ્વર મંદિરથી શરૂ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રક્ષા મંત્રી રાજનાથ સિંહ બીજેપીની ત્રીજી પરિવર્તન યાત્રા જેસલમેરના રામદેવડાથી રવાના કરશે. જ્યારે ચોથી પરિવર્તન યાત્રા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા હનુમાનગઢના ગોગામેડી મંદિરથી રવાના કરવામાં આવશે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : મુંબઈ બેઠક પહેલા ઇન્ડિયા ગઠબંધનને લાગી રહ્યા છે ચૂંટણી ઝટકા
વસુંધરા રાજે, ગજેન્દ્ર શેખાવત જેવા દિગ્ગજ ભાગ લેશે
ભાજપના આ કાર્યક્રમમાં પૂર્વ સીએમ વસુંધરા રાજે, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ગજેન્દ્ર સિંહ શેખાવત, રાજસ્થાનના બીજેપી અધ્યક્ષ સીપી જોશી અને વિધાનસભામાં વિપક્ષના નેતા સત્યેન્દ્ર પૂનિયા પણ ભાગ લેશે. સૂત્રો પ્રમાણે બીજેપીની આ યાત્રા રાજ્યની બધી 200 વિધાનસભાને કવર કરશે. આ 23 દિવસોમાં દરેક જિલ્લામાં સભા થશે અને વ્યાપક અભિયાન ચલાવશે.
રાજસ્થાનમાં 200 વિધાનસભા સીટો છે. 2018માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થયો હતો. જેમાં કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી ન હતી પણ કોંગ્રેસ પાર્ટી 99 સીટો જીતીને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. જ્યારે બીજેપીને 73 સીટો મળી હતી. આ પછી કોંગ્રેસે અપક્ષ અને બીએસપી ધારાસભ્યોના સમર્થનથી રાજસ્થાનમાં સરકાર બનાવી હતી.





