હમઝા ખાન : રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લગભગ ચાર મહિનાનો સમય બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે બે મુખ્ય પેનલો – ઘોષણાપત્ર અને ચૂંટણી વ્યવસ્થાપન સમિતિઓની જાહેરાત કરી હતી. જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનો આ બંનેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલને 25 સભ્યોની સંકલ્પ પત્ર કે મેનિફેસ્ટો કમિટીના કન્વીનર બનાવવામાં આવ્યા છે. જ્યારે 21 સભ્યો ધરાવતી ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના વડા તરીકે પૂર્વ સાંસદ નારાયણ પંચારિયાની નિમણૂક કરવામાં આવી છે.
ભાજપે આ પેનલ્સ જાહેર કર્યા બાદ વસુંધરા રાજેએ તેમાંથી બાકાત રાખવાને કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે બંનેમાંથી એકેયમાં તે ચહેરાઓ પણ નથી જેઓ ભાજપના સત્તામાં આવવાની સ્થિતિમાં મુખ્યમંત્રી પદના દાવેદારોમાં વસુંધરા રાજેની સાથે છે. જેમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ, અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા સહિત અન્યનો સમાવેશ થાય છે.
ભાજપના સૂત્રોએ દાવો કર્યો હતો કે ઢંઢેરાના મુસદ્દામાં વિદ્વતાપૂર્ણ કાર્ય સામેલ છે અને તેથી કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અર્જુન મેઘવાલ તેના માટે “શ્રેષ્ઠ યોગ્ય” છે. આ સમિતિમાં રાજ્યસભાના સાંસદો ઘનશ્યામ તિવારી અને કિરોડી લાલ મીના તથા સહ-સંયોજક તરીકે ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર રાવ રાજેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે.
ભાજપ ચૂંટણી વ્યવસ્થાપન પેનલના સહ-કન્વીનરોમાં પક્ષના દિગ્ગજ નેતા પ્રદેશ મહામંત્રી ઓંકારસિંહ લખાવત અને સાંસદ તથા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે આ સમિતિને મુખ્યત્વે ચૂંટણી રેલીઓનું સંચાલન, ટેન્ટ, ખુરશીઓ, ભોજન વગેરેની વ્યવસ્થા કરવાનું કામ સોંપવામાં આવશે. તેથી તે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અથવા ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષના કદની સમકક્ષ નથી, તેથી તેમને બાકાત રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો – ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
ભાજપના અન્ય એક નેતાએ કહ્યું કે આ પેનલો કેન્દ્રીય પક્ષના નેતૃત્વ દ્વારા નહીં પણ પ્રદેશ પાર્ટી અધ્યક્ષ સી પી જોશી દ્વારા જાહેર કરવામાં આવી છે. નેતાએ દાવો કર્યો હતો કે નિયુક્ત કાર્યો કરવા માટે કેટલાક નામો ઉપરાંત, કેટલાક અન્ય નામોનો સમાવેશ મુખ્યત્વે તેમને સમાવવા માટે અથવા જાતિના સમીકરણોને સંતુલિત કરવા માટે કરવામાં આવ્યો છે.
આ પેનલોમાંથી વસુંધરા રાજેનું નામ ગાયબ હોવા અંગે પૂછવામાં આવતા ભાજપના રાજસ્થાનના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ અરુણ સિંહે સંકેત આપ્યો હતો કે તેમના કદને કારણે તેઓ કદાચ આ માટે યોગ્ય નથી અને તેના બદલે તેઓ ચૂંટણીમાં પ્રચાર કરશે.
તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ પાસે દૈનિક કામ છે અને પાર્ટી કાર્યાલયમાં બેસવું પડે છે. તેમાં ઘણા અનુભવી લોકો છે. તેમની (રાજે)ની પણ ભૂમિકા છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, બે ટર્મના મુખ્યમંત્રી છે અને તેમની મોટી ભૂમિકા છે. તે એક વિશાળ અભિયાન હાથ ધરશે, અમે બધા તેમનું સન્માન કરીએ છીએ.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો





