Rajasthan Assembly Election 2023 : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે ભાજપે શનિવારે વઘુ 83 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. વસુંધરા રાજેની ઉમેદવારી અંગે ચાલી રહેલી અટકળોનો અંત લાવતા તેમને ઝાલરાપાટન બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે પ્રથમ યાદીમાં 41 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જ્યાં એક રાજ્યસભા સભ્ય સહિત સાત સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉમેદવારોની જાહેરાત કરવામાં ભાજપ કોંગ્રેસ કરતા એક ડગલું આગળ છે. કોંગ્રેસે 33 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે જેમાં અશોક ગેહલોત, સચિન પાયલટ અને અન્ય મોટા નેતાઓના નામ સામેલ છે. રાજસ્થાન ભાજપની બંને યાદી સાથે સંબંધિત પાંચ મહત્વના પાસાઓ પર ધ્યાન આપવું જોઈએ.
વસુંધરા રાજેનું નામ અને પ્રભાવ
જ્યારે બીજેપીએ પ્રથમ યાદી જાહેર કરી અને તેમાં વસુંધરા રાજેનું નામ ન હતું ત્યારે એવી અટકળો શરૂ થઈ હતી કે પાર્ટીએ તેમને સંપૂર્ણપણે સાઇડલાઇન કરી દીધા છે. જોકે લાંબા સમયથી અટકળોનો અંત આવતા ભાજપે તેમને ઝાલરાપાટનથી મેદાનમાં ઉતાર્યા છે. એવું માનવામાં આવે છે કે તેમની સીટ ન બદલવી એ દર્શાવે છે કે પાર્ટીમાં તેમનું વર્ચસ્વ બરકરાર છે. વસુંધરા રાજેએ 2018ની વિધાનસભા ચૂંટણીમાં ઝાલરાપાટનથી સતત પાંચમી વખત જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર માનવેન્દ્ર સિંહને 34,890 મતોથી હરાવીને જીત મેળવી હતી.
રાજેન્દ્ર રાઠોડની બેઠક બદલી
રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા (LoP) રાજેન્દ્ર સિંહ રાઠોડનું નામ પણ યાદીમાં છે પરંતુ તેમની પોતાની બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા નથી. ચુરુના ધારાસભ્ય રાઠોડને હવે તારાનગર મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ આ પહેલા માત્ર એક જ વખત તારાનગરનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. રાજેન્દ્ર સિંહ રાઠોડ આ પહેલા ચુરુમાંથી સતત ત્રણ વખત જીત્યા હતા. કુલ મળીને તેણે ચુરુનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું છે. રાજેન્દ્રસિંહ રાઠોડની સીટ બદલાતા પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. 7 સાંસદોને ટિકિટ આપ્યા બાદ ભાજપે આવો પ્રયોગ કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
દિયા કુમારીનો રસ્તો ક્લિન
આ ચૂંટણીમાં રાજસમંદના સાંસદ દિયા કુમારી પણ ઘણા ચર્ચામાં છે. તેઓ એ સાત સાંસદોમાંથી એક છે જેમને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. તેમને જયપુરના વિદ્યાધર નગર મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું છે. આ સીટ હાલમાં નરપત સિંહ રાજવી પાસે છે, જેઓ વસુંધરા રાજેના વફાદાર માનવામાં આવે છે. તેઓ ભૈરોસિંહ જી શેખાવતના જમાઈ પણ છે, જેમણે વસુંધરા રાજેને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એવું કહેવાય છે કે રાજવી પોતાની સીટ છોડવાથી નારાજ હતા, હવે તેમને ચિત્તોડગઢથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પાર્ટીના આ નિર્ણયથી સંતુષ્ટ છે.
નાગૌરની લડાઈ થશે રસપ્રદ, જાટ મતો જીતવાના પ્રયાસો
કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ જ્યોતિ મિર્ધા (આ સપ્ટેમ્બરમાં ભાજપમાં જોડાયા) નાગૌરથી મેદાનમાં છે. પૂર્વ સાંસદ પ્રદેશના બે પ્રભાવશાળી મિર્ધા કુળમાંથી એક છે. તે જાટ સમુદાયમાંથી આવે છે, એક એવો વર્ગ જે 2016માં હરિયાણામાં જાટ રમખાણો અને તાજેતરના ત્રણ કૃષિ કાયદાઓ પછી ભાજપથી નિરાશ થઈ ગયો છે. બીજેપીને જ્યોતિ મિર્ધા દ્વારા વિસ્તારના જાટ મતો સુધી પહોંચવાની આશા છે. તેમના મેદાનમાં ઉતર્યા બાદ હવે નાગૌર વિધાનસભા ચૂંટણીનો જંગ ઘણો રસપ્રદ જોવા મળી રહ્યો છે.
મહિલાઓની સંખ્યા
ભાજપે 83 નામોમાંથી 10 મહિલાઓને મેદાનમાં ઉતારી છે. તેમની 41 નામોની પ્રથમ યાદીમાં ભાજપે ચાર મહિલાઓને મેદાનમાં ઉતારી હતી. પ્રતિનિધિત્વની દૃષ્ટિએ આ સંખ્યા ઓછી હોવાની ચર્ચા છે. પરંતુ ભાજપે કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં આ સંખ્યામાં વધારો કરવામાં આવશે. આ યાદીમાં એક મહત્ત્વનું પાસું કેટલાક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરવા સાથે પણ જોડાયેલું છે.
નરપત સિંહ રાજવી ભલે ચિત્તોડગઢ બેઠકથી સંતુષ્ટ હોય, પરંતુ વર્તમાન ધારાસભ્ય ચંદ્રભાન સિંહને હજુ સુધી બેઠક મળી નથી. 2018માં તેમણે કોંગ્રેસના સુરેન્દ્ર સિંહ જાદાવતને 23 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. 2018માં કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને 34,000થી વધુ મતોથી હરાવનારા સાંગાનેરના વર્તમાન ધારાસભ્ય અશોક લાહોટીની ટિકિટ પણ કાપવામાં આવી છે.