Deep Mukherjee : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યની 200 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે મતદાન થશે. એક તરફ ભાજપે ઉમેદવારોના નામોની પ્રથમ યાદી જાહેર કરી છે તો બીજી તરફ કોંગ્રેસમાં ગેહલોત જૂથ અને સચિન પાયલોટ જૂથ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણના કારણે ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે ભારત આદિવાસી પાર્ટી (BAP) પણ બંને મોટા પક્ષોની રમત બગાડવા માટે મેદાનમાં છે.
2018ની ચૂંટણીઓમાં પ્રથમ વખત ઉતરનાર ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ (BTP) રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં અપ્રત્યાશિત રૂપમાં સામે આવી જેણે 2 બેઠકો જીતી અને રાજ્યના દક્ષિણ ભાગમાં કેટલાક મતવિસ્તારોમાં બીજા સ્થાને આવી હતી. પાંચ વર્ષ પછી રાજસ્થાનમાં આદિવાસી જૂથોએ BTPથી અલગ થઈને ભારત આદિવાસી પાર્ટી (BAP) નામના અન્ય રાજકીય સંગઠનની રચના કરી છે. BTPના બંને ધારાસભ્યો – ચોર્યાસીના ધારાસભ્ય રાજકુમાર રોત અને સાગવાડાના ધારાસભ્ય રામપ્રસાદ ડીંડોર પાર્ટી છોડીને BAPમાં જોડાયા છે.
BAPનું ચૂંટણી ચિન્હ હોકી સ્ટિક અને બોલ
એક તરફ કોંગ્રેસ અને ભાજપ બંને રાજ્યમાં આદિવાસી વસ્તી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, અનુસૂચિત જનજાતિ (ST) રાજ્યની વસ્તીના 13.48% છે. આવી સ્થિતિમાં નવી બનેલી BAP ચૂંટણીના વલણને બદલી શકે છે અને દક્ષિણ રાજસ્થાનમાં પણ ગણિત બદલી શકે છે. મધ્ય પ્રદેશમાં પદાર્પણ કરવા ઉપરાંત પાર્ટી પ્રદેશના પાંચ જિલ્લાઓમાં ઓછામાં ઓછી 17 બેઠકો પર ચૂંટણી લડવાનું વિચારી રહી છે. 9 ઓક્ટોબરના રોજ, ચૂંટણી પંચે રાજસ્થાનમાં ચૂંટણી લડવા માટે BAPને હોકી સ્ટીક અને બોલનું ચૂંટણી ચિહ્ન ફાળવ્યું હતું. મધ્ય મપ્રદેશમાં પાર્ટી ઓટો રિક્ષાના સિમ્બોલ પર ચૂંટણી લડશે.
ભીલો માટે અલગ રાજ્યની માંગ
પાર્ટીના ધારાસભ્ય રાજકુમાર રોતે જણાવ્યું હતું કે ધારાસભ્યો, પ્રધાનો અને સરપંચો સહિત તમામ BTP કેડર BAPમાં શિફ્ટ થયા છે. અમે દક્ષિણ રાજસ્થાનમાં ઓછામાં ઓછી 17 બેઠકો પર ચૂંટણી લડવાની યોજના બનાવી છે. અમે રાષ્ટ્રીય પક્ષો સાથે ગઠબંધન માટે તૈયાર છીએ. આદિવાસીઓને અસર કરતા મુદ્દાઓ ઉઠાવવા તૈયાર છે. તેમણે કહ્યું કે ભીલો માટે અલગ રાજ્યની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ કોંગ્રેસ કે ભાજપ સરકારોએ બંધારણનું પાલન કર્યું નથી અને દક્ષિણ રાજસ્થાનમાં આદિવાસીઓ માટે અનામત નીતિનું પાલન કર્યું નથી. જનતા BAP સાથે છે, જે આ મુદ્દાઓ ઉઠાવી રહી છે.
આ પણ વાંચો – રાજસ્થાનમાં કોંગ્રેસની પ્રથમ યાદીમાં વિલંબ કેમ? અશોક ગેહલોત, પક્ષના નેતૃત્વમાં મતભેદ
છેલ્લા કેટલાક વર્ષોમાં, આદિવાસી વસ્તીનો એક વર્ગ દક્ષિણ રાજસ્થાનમાં હિન્દુત્વ વિરુદ્ધ મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યો છે. જ્યાં ભાજપ સાથે સંકળાયેલા સંગઠનો અને આદિવાસીઓ વચ્ચે કામ કરતા વનવાસી કલ્યાણ આશ્રમ જેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સંગઠનો સાથે સંઘર્ષ થયો છે.
આપણી સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ સાથે મેળ ખાતી નથી – BAP ના રાષ્ટ્રીય અધ્યક્ષ
બીએપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનલાલ રોતે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે અમે આદિવાસીઓને હિંદુ તરીકે દર્શાવવાની આ રમતની વિરુદ્ધ છીએ. અમારી સંસ્કૃતિ હિંદુ સંસ્કૃતિ સાથે મેળ ખાતી નથી. આદિવાસીઓના અધિકારો અંગે અમે જે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છીએ તેના માટે લોકોમાં વ્યાપક સમર્થન છે.
BAP નેતાઓએ જણાવ્યું હતું કે પાર્ટી ઉદયપુર, બાંસવાડા, ડુંગરપુર, પ્રતાપગઢ અને સિરોહી જિલ્લાની અનેક વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે. જેમાં ઉદયપુર ગ્રામીણ, ઝાડોલ, સલમ્બર, ડુંગરપુર, સાગવાડા, ચોરાસી, આસપુર, બાંસવાડા, કુશલગઢ, બગીદૌરા, ઘાટોલ, ધારિયાવાડ અને પિંડવાડાનો સમાવેશ થાય છે.





