રાજસ્થાનમાં રાજ્યપાલથી લઇને ઉપ રાષ્ટ્રપતિ બની રહ્યા છે ભાજપના પ્રચારક? જાણો કોંગ્રેસને કેમ છે વાંધો

Rajasthan Assembly Elections 2023 : કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે ત્યાં જીત સુનિશ્ચિત કરવા માટે દેશના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાની મદદ લીધી છે

November 20, 2023 18:29 IST
રાજસ્થાનમાં રાજ્યપાલથી લઇને ઉપ રાષ્ટ્રપતિ બની રહ્યા છે ભાજપના પ્રચારક? જાણો કોંગ્રેસને કેમ છે વાંધો
આસામના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા (Express Archives)

દિપ્તીમાન તિવારી : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે રાજ્યની વારંવારની મુલાકાતોને લઈને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને નિશાન બનાવ્યાના એક મહિનાથી વધુ સમય પછી કોંગ્રેસના નેતાઓએ આસામના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાને લઈને ઉદયપુરમાં પણ આવો જ વિવાદ ઉભો કર્યો છે.

ગુલાબ ચંદ કટારિયા, જેઓ તાજેતરમાં ઉદયપુર શહેરના સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય રહ્યા હતા અને વિરોધ પક્ષના નેતા હતા. તેઓ 13 નવેમ્બરના રોજ શહેરના મેયર જીએસ ટાંકના ઘરેથી નીકળતા જોવા મળ્યા હતા. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર કટારિયા ત્યાં પાર્ટીના શહેરના કાઉન્સિલરો અને નેતાઓને મળ્યા હતા. જ્યારે ભાજપે કહ્યું હતું કે કટારિયા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે દિવાળીની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરવા આવ્યા હતા. કોંગ્રેસે બંધારણીય હોદ્દો ધરાવતા હોવા છતાં રાજ્યપાલ પર ચૂંટણી લડવાનો આરોપ મૂક્યો હતો.

જગદીપ ધનખડના આવવાથી મુશ્કેલી

થોડા સમય પહેલા સુધી ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉદયપુરમાં ખૂબ સક્રિય જોવા મળતા હતા. તેમના પોતાના કાર્યક્રમો હતા, બધી માહિતી પબ્લિકમાં શેર કરવામાં આવી હતી તેમ છતાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને તેમાં સમસ્યા દેખાતી હતી. તેમના મતે ઉપ રાષ્ટ્રપતિ માટે ચૂંટણીના સમયમાં વારંવાર ત્યાં જવું યોગ્ય નથી. એક નિવેદનમાં અશોક ગેહલોતે કહ્યું હતું કે ચૂંટણીના સમયમાં ધનખડનું અહીં વારંવાર આવવું તર્કની બહાર છે.

આ પણ વાંચો – રાજસ્થાન ચૂંટણી 2023 : ‘મહિલા સુરક્ષા’ના મુદ્દે કોંગ્રેસ ક્યાં પાછળ? ભાજપે તૈયાર કર્યો પ્લાન B

રાજ્યપાલ કટારિયાનો સીક્રેટ પ્રવાસ

હવે આ વિવાદનો અંત આવે તે પહેલા આસામના રાજ્યપાલ ગુલાબ સિંહ કટારિયાએ આખું અઠવાડિયું ઉદયપુરમાં વિતાવ્યું હતું. હાલમાં જારી કરાયેલા નિવેદનમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે કટારિયા દિવાળીના અવસર પર તેમને શુભેચ્છા પાઠવવા ઉદયપુર પહોંચ્યા હતા. પરંતુ તેમની રાજકીય ભૂમિકાને સમજીને તે એક મુલાકાતનો અલગ અર્થ કાઢવામાં આવ્યો હતો. બીજેપીના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે કટારિયા બીજેપીના ઘણા કાઉન્સિલરો અને અન્ય નેતાઓને મળ્યા હતા અથવા તો મિટિંગ કરી હતી.

અહીં એ સમજવું જરૂરી છે કે કટારિયા ઉદયપુરથી સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1977થી સતત ચૂંટણી જીત્યા છે અને ભાજપમાં તેમનું કદ ઘણું મોટું માનવામાં આવે છે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ આ જ કારણોસર કટારિયાએ તેમના સાત દિવસના પ્રવાસ દરમિયાન તમામ કાઉન્સિલરોને મળ્યા હતા, તેમના તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે કાર્યકરોએ સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડવી જોઈએ અને બેદરકાર ન રહેવું જોઈએ.

કોંગ્રેસે શું કહ્યું?

હવે કોંગ્રેસે તેને મોટો મુદ્દો બનાવ્યો છે. આ વખતે ઉદયપુરથી તેમના ઉમેદવાર ગૌરવ વલ્લભે પણ આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે દરેક પદની પોતાની ગરિમા હોય છે. જો અન્ય રાજ્યના રાજ્યપાલ આ પ્રકારે અન્ય રાજ્યોની છૂપી મુલાકાત લેશે તો સવાલો પૂછવામાં આવશે. જો તમારે આવવું જ હોય તો પહેલા તમારા પદ પરથી રાજીનામું આપો.

ટીકાનો જવાબ આપતા કટારિયાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે હું 40 વર્ષથી ઉદયપુરના લોકોનો પ્રતિનિધિ છું. જો દિવાળી પર હું ઘરે આવું અને લોકો મને મારા ઘરે મળે તો એમાં ખોટું શું છે? મેં પાર્ટીના આ કાર્યકરો સાથે દાયકાઓ સુધી કામ કર્યું છે. તેઓ મારા પુત્રો જેવા છે. તેથી, જ્યારે હું શહેરમાં આવું અને તેઓ મને મળવા માંગે ત્યારે હું ના કહી શકું. જો ચૂંટણી પંચ મને તેના વિશે પૂછશે તો હું જવાબ આપીશ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ