Rajasthan Assembly Elections 2023 : રાજસ્થાનની જનતાના મૂડનો અંદાજ લગાવતા તાજેતરના એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ રાજ્યમાં સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે અને મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર સત્તામાંથી બહાર થઇ જશે. જો આમ થશે તો રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા યથાવત્ રહેશે. આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા ભાજપ અને કોંગ્રેસ તૈયારીમાં લાગી ગયા છે.
શું કહે છે રાજસ્થાનનો તાજા સર્વે
રાજસ્થાનની જનતાના મૂડને પારખવા માટે ગત સપ્તાહે જાહેર થયેલા એબીપી-સી વોટર સર્વેના પરિણામો અનુસાર 200 સભ્યોની વિધાનસભામાં ભાજપને 45.8 ટકા વોટશેર સાથે 109-119 બેઠકો જીતવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસને 78-88 વચ્ચે બેઠકો મળી શકે છે. બહુજન સમાજ પાર્ટી (બસપા)ને 0.7 ટકા વોટ શેર સાથે 0 થી 2 સીટો મળવાની આશા છે. જ્યારે અન્યોને 12.5 ટકા વોટ શેર સાથે 1-5 સીટો મળી શકે છે.
ભાજપ સામે શું છે પડકાર?
રાજસ્થાનની ચૂંટણીને આડે હવે ત્રણ મહિનાનો સમય બાકી છે, પરંતુ ભાજપનો આંતરિક ઉથલપાથલ હજુ પણ પૂરી થાય તેમ લાગતું નથી. કોંગ્રેસના કેમ્પની જેમ જ જૂથવાદ અને સત્તાના ખેલથી ભાજપના કાર્યકરોમાં બેચેની સર્જાઈ છે. ભાજપ માટે એક જ રાહતની વાત છે કે આ હંગામો ક્યારેય કોંગ્રેસની જેમ બહાર આવ્યો નથી.
બે વખત પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા વસુંધરા રાજેને સાઇડલાઇન કરવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ જે 2018ની હાર પછી વસુંધરા રાજેની કાર્યશૈલીથી નાખુશ છે. ભાજપ હવે આવતા અઠવાડિયેથી સંયુક્ત સંકલ્પ યાત્રા શરૂ કરશે, જેને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા લીલી ઝંડી આપશે અને પાર્ટીના પ્રમુખ કેન્દ્રીય મંત્રીઓ રાજ્યભરમાં તેનું નેતૃત્વ કરશે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદી માટે કેટલા ભારતીયો રાખે છે પોઝિટિવ વિચાર? વિદેશી રિસર્ચ સેન્ટરના રિપોર્ટે કર્યો આ દાવો
કોણ હશે ભાજપનો મુખ્યમંત્રી પદનો ચહેરો?
ભાજપ સીએમ ચહેરા વગર ચૂંટણી લડવાનું વિચારી રહી હોવાની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. પાર્ટીએ હજુ સુધી વસુંધરા રાજે સિંધિયાનું નામ સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. જોકે ભાજપ જાણે છે કે તે બીજા કોઈનું નામ જાહેર કરવાનું જોખમ પણ ઉઠાવી શકશે નહીં. ગજેન્દ્રસિંહ શેખાવત અને સતિષ પુનિયાના રૂપમાં એક વિકલ્પ સ્થાપિત કરવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે કારણ કે બંને પાર્ટીની અંદર રાજેની લોકપ્રિયતા અને કદ સાથે મેળ ખાતા નથી.
સીએમ પદ માટે કોણ છે પ્રથમ પસંદગી?
સર્વે અનુસાર એકંદરે 35 ટકા લોકો માને છે કે મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત તેમની પસંદગી છે. આ પછી વસુંધરા રાજે 25 ટકા સાથે જનતાની પસંદ છે. સચિન પાયલટ 19 ટકા, ગજેન્દ્ર સિંહ શેખાવત 9 ટકા અને રાજ્યવર્ધન સિંહ રાઠોડ 5 ટકા સાથે પણ આ લિસ્ટમાં સામેલ છે.
સર્વેના પરિણામો એ પણ દર્શાવે છે કે ભાજપની ચૂંટણીમાં ઉતરવાની રણનીતિ આવનારી ચૂંટણીમાં પાર્ટી માટે ફાયદાકારક સાબિત ન થઈ શકે. સર્વે અનુસાર 61.7 ટકા મતદાતાઓને લાગ્યું કે પાર્ટીએ સીએમ ચહેરો રજૂ કરવો જોઈએ. જ્યારે તેમાંથી માત્ર 27.5 ટકા લોકોનું માનવું હતું કે ભાજપનો સીએમ ચહેરો ન લાવવાનો નિર્ણય યોગ્ય છે.





