રાહુલ ગાંધી હજુ સુધી પ્રચાર માટે રાજસ્થાન કેમ નથી ગયા? જીતની ઓછી સંભાવના કે અન્ય કોઇ છે કારણ

Rajasthan Assembly Elections 2023 : રાજસ્થાન માટે કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં રાહુલ ગાંધીનું નામ ત્રીજા નંબર પર છે. રાહુલ ગાંધીનું રાજસ્થાનથી અંતર અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચાનો વિષય બની ગયું છે

Updated : November 10, 2023 17:43 IST
રાહુલ ગાંધી હજુ સુધી પ્રચાર માટે રાજસ્થાન કેમ નથી ગયા? જીતની ઓછી સંભાવના કે અન્ય કોઇ છે કારણ
રાજસ્થાન માટે કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં રાહુલ ગાંધીનું નામ ત્રીજા નંબર પર છે (Facebook/RahulGandhi)

હમઝા ખાન : લોકસભા ચૂંટણી 2024 પહેલા પાંચ રાજ્યોની ચૂંટણીને ‘સેમિ ફાઈનલ’ તરીકે જોવામાં આવી રહી છે. મિઝોરમમાં મતદાન થઈ ગયું છે તો છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન થવાનું બાકી છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં પણ મતદાન થવાનું છે. ચૂંટણીઓ જાહેર થયાને ઘણો સમય થઈ ગયો છે પરંતુ ત્યારથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજસ્થાનથી દૂર છે. રાજસ્થાનમાં 25 ડિસેમ્બરે મતદાન થવાનું છે એટલે કે હવે તમામ પક્ષો પાસે મતદારોને રીઝવવા માટે પખવાડિયું છે.

રાજસ્થાન માટે કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં રાહુલ ગાંધીનું નામ ત્રીજા નંબર પર છે. આ લિસ્ટમાં મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી પહેલા અને બીજા નંબર પર છે. રાહુલ ગાંધીનું રાજસ્થાનથી અંતર અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચાનો વિષય બની ગયું છે, પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે ચૂંટણી બાદ રાજ્યમાં મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ઘણી રેલીઓ કરવા આવી રહ્યા છે.

ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજસ્થાનમાં બે રેલીઓ કરી છે. તેમણે પહેલી રેલી 16 ઓક્ટોબરે બારનમાં અને બીજી રેલી 6 નવેમ્બરે જોધપુરમાં યોજી હતી. આ જ દિવસે રાજ્યના સીએમ અશોક ગેહલોતે ઉમેદવારી પણ નોંધાવી હતી. પ્રિયંકા ગાંધીએ રાજ્યમાં બે રેલીઓ કરી છે. તેમણે 20 ઓક્ટોબરે દૌસામાં અને 25 ઓક્ટોબરે ઝુંઝુનુમાં રેલીઓ યોજી હતી. જોકે રાહુલ ગાંધી છેલ્લે રાજસ્થાનમાં ચૂંટણીની જાહેરાત પહેલા દેખાયા હતા. રાહુલ ગાંધીએ 23 સપ્ટેમ્બરે જયપુરમાં કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું. આ પહેલા તેઓ 9 ઓગસ્ટે મનનગઢમાં એક રેલીમાં ભાગ લેવા આવ્યા હતા.

સુખજિંદર સિંહ રંધાવાએ શું કહ્યું?

રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે અન્ય રાજ્યોમાં વોટિંગ પહેલા છે તેથી રાહુલ ગાંધી ત્યાં કાર્યક્રમો કરી રહ્યા છે. પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની જીતની સંભાવના વધુ છે, તેથી ત્યાં પાર્ટીનું વધુ ફોકસ હોઈ શકે છે. રાહુલ ગાંધીએ પોતે સપ્ટેમ્બરમાં દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે અત્યારે અમે સંભવત તેલંગાણામાં જીતી રહ્યા છીએ. અમે ચોક્કસપણે મધ્ય પ્રદેશ જીતી રહ્યા છીએ, અમે ચોક્કસપણે છત્તીસગઢ જીતી રહ્યા છીએ. રાજસ્થાન ઘણા નજીક છીઅ અને અમને લાગે છે કે અમે જીતવામાં સફળ રહીશું.

આ પણ વાંચો – કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું – કોંગ્રેસમાં કેટલાક નેતા ભગવાન રામ અને હિન્દુ શબ્દથી નફરત કરે છે

રાજસ્થાનમાં કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે રાજસ્થાનની જીત પર ઓછા વિશ્વાસ વાળી વાત ન કરવી જોઈએ. રાજસ્થાનમાં છેલ્લા 30 વર્ષથી સત્તાધારી પાર્ટીને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપના જૂથવાદને જોતાં કોંગ્રેસે પોતાના પ્રચારની શરૂઆત એ આશા સાથે કરી છે કે આ વખતે રાજ્યમાં ઉલટફેર કરી દેશે. જોકે ભાજપ સમયની સાથે એકજુટ થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

પ્રિયંકા ગાંધી છેલ્લા કેટલાક અઠવાડિયામાં રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. સચિન પાયલટના નજીકના ગણાતા પ્રિયંકા ગાંધીએ પોતાના પ્રભાવના ક્ષેત્રમાં રાજ્યમાં પોતાની ત્રણમાંથી બે રેલી કરી છે. વર્ષ 2020માં સચિન પાયલટ અને તેમના સમર્થકો દ્વારા શરૂ કરવામાં આવેલા કથિત બળવાના અંતનું કારણ પણ પ્રિયંકા ગાંધીના પ્રયાસો હોવાનું કહેવાય છે.

સચિન વિ. ગેહલોતમાં કોણ ભારે?

જોકે આ બધુ હોવા છતાં સચિન પાયલટ આ ચૂંટણીમાં પડદા પાછળ જ જોવા મળે છે. રાજ્યમાં ચાલી રહેલા કોંગ્રેસ પક્ષના પ્રચારમાં અશોક ગેહલોતનો સંપૂર્ણ દબદબો હોય તેવું લાગી રહ્યું છે. નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એ પણ સંકેત આપ્યા કે જો કોંગ્રેસ જીતશે તો તેમને સીએમ બનવાની કોઈ ઉતાવળ નથી.

ઉલ્લેખનીય છે કે સચિન પાયલટ બારનમાં મલ્લિકાર્જુન ખડગે દ્વારા પાર્ટીના ઇઆરસીપી અભિયાનની શરૂઆતથી ગાયબ હતા. અહીં એક તથ્ય એ પણ છે કે ઇઆરસીપી ગુર્જર પટ્ટાના મોટા ભાગને આવરી લે છે. સચિન પાયલટ ગુર્જર સમુદાયના છે. જોકે સચિન પાયલટના આ કાર્યક્રમમાં સામેલ ન થવાનું સત્તાવાર કારણ તેમની ટેરિટોરિયલ આર્મી એક્ઝામિનેશન હોવાનું કહેવાય છે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ