World Cup Final: ભારતે વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. જે પછી સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના લોકોના રિએક્શન સામે આવ્યા હતા. ઘણા ક્રિકેટ પ્રેમીઓ, ભૂતપૂર્વ ક્રિકેટરો અને રાજકારણીઓએ પોતાની રીતે ભારતની હારનું વિશ્લેષણ કર્યું હતું. આ દરમિયાન મંગળવારે રાજસ્થાનના જાલોરમાં એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ ભારતની હારને લઇને અજીબ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે અચ્છા ભલા આપણા યુવકો વર્લ્ડ કપ જીતી ગયા હોત પરંતુ પનોતીએ હરાવી દીધા હતા.
રાહુલ ગાંધી જનસભામાં પીએમ મોદીનો ઉલ્લેખ કરીને તેમના પર પ્રહાર કરી રહ્યા હતા. આ દરમિયાન જનસભામાં કેટલાક લોકો પનોતી પનૌતી ચિલ્લાવવા લાગ્યા હતા. જેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે અચ્છા ભલા આપણા યુવકો વર્લ્ડ કપ જીતી ગયા હોત પરંતુ પનોતીએ હરાવી દીધા હતા, ટીવીવાળા આવું નહીં કહે, પરંતુ જનતા જાણે છે. આ પછી રાહુલ ગાંધીએ ફરીથી પીએમ મોદીનો ઉલ્લેખ કરીને તેમના પર પ્રહાર કર્યો હતો.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે વર્લ્ડ કપમાં ભારતની હાર માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદીને જોઈને ખેલાડીઓ ટેન્શનમાં આવી ગયા. મોદીએ મેચમાં જવું જોઈતું ન હતું. મોદીના કારણે જ આપણે હાર્યા કારણ કે ખેલાડીઓ દબાણમાં આવી ગયા હતા. એ જ હારનું કારણ હતું. તેમણે કહ્યું કે જો વર્લ્ડકપ પહેલા અમારે મનોબળ વધારવું હતું તો તે દિવસે ફાઈનલમાં જવું જોઈતું ન હતું.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ જાડેજાને કહ્યું – કાં બાપુ, ઢીલો ના પડતો, જુઓ VIDEO
‘પનોતી’ શબ્દ કેવી રીતે ચર્ચામાં આવ્યો?
ભારતીય ટીમની વર્લ્ડ કપની હાર બાદ અચાનક એક્સ (ટ્વિટર) પર ‘પનોતી’ શબ્દ ટ્રેન્ડ થવા લાગ્યો હતો. વિરોધ પક્ષોએ જ્યારે આ શબ્દનો ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેડિયમમાં આગમનના સંદર્ભમાં કર્યો ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓ અને સમર્થકોએ વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો હતો. વિપક્ષનું કહેવું છે કે ભારતીય ટીમ વર્લ્ડ કપ એટલા માટે હારી ગઈ કારણ કે પીએમ મોદી ખુદ મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.
ટીમ ઈન્ડિયાની હાર પર પીએમ મોદી અને રાહુલ ગાંધી સહિત કોણે શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે ટીમ ઇન્ડિયા ખૂબ જ સારા જુસ્સા સાથે રમી હતી. અમે આજે અને હંમેશા તમારી સાથે ઉભા છીએ.
રાહુલ ગાંધીએ ટીમ ઇન્ડિયાને કહ્યું કે તમે જીતો કે હારો. અમે તમને પ્રેમ કરીએ છીએ અને અમે આગામી વર્લ્ડ કપ આપણે જ જીતીશું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આપણી ટીમે સમગ્ર વર્લ્ડ કપમાં શાનદાર રમત રમ્યું અને યાદગાર પ્રદર્શન કર્યું. જીત અને નિષ્ફળતા બંનેમાંથી સાચી સ્પોર્ટસમેન સ્પિરિટમાં મજબૂત બનીને બહાર આવવું જોઈએ. મને વિશ્વાસ છે કે તમે વધુ મજબૂત બનીને બહાર આવશો.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ટીમ ઓસ્ટ્રેલિયાને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું કે ભારતે સારું પ્રદર્શન કર્યું અને દિલ જીતી લીધું. તમારી પ્રતિભા અને ખેલદિલી મેચમાં જોવા મળી હતી. વર્લ્ડ કપમાં તમારા ઉલ્લેખનીય પ્રદર્શનથી દરેક ભારતીયને ગર્વ છે. અમે હંમેશાં તમને પ્રોત્સાહિત કરીશું અને તમારી સિદ્ધિઓની કદર કરીશું.





