Rajasthan Assembly Elections 2023 Voting : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન 25 નવેમ્બરને શનિવારના રોજ યોજાશે. મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ મતદાનની તૈયારીઓ અંગે જણાવ્યું હતું કે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અહીં કુલ 51,890 મતદાન મથકો છે. તેમાંથી લગભગ 12,500 મતદાન મથકો સંવેદનશીલ છે.
રાજસ્થાનની કુલ 200 વિધાનસભા બેઠકોમાંથી 199 પર ચૂંટણી યોજાશે. કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ગુરમીત સિંહ કુન્નરના નિધનના કારણે કરણપુર બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. 199 બેઠકો માટે કુલ 1862 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં મતદારોની સંખ્યા 5,25,38,105 છે. 18થી 19 વર્ષની વયજૂથમાં 22,61,008 નવા મતદારો
ભાજપ-કોંગ્રેસના મોટા ચહેરા
કોંગ્રેસ પાર્ટીના મોટા ચહેરાની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા, વિધાનસભા અધ્યક્ષ સી.પી.જોશી, મંત્રી શાંતિ ધારીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટનો સમાવેશ થાય છે. ભાજપના અગ્રણી ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, વિપક્ષી નેતા રાજેન્દ્ર રાઠોડ, વિપક્ષના ઉપનેતા સતીશ પુનિયા અને સાંસદોમાં દિયા કુમારી, રાજ્યવર્ધન રાઠોડ, બાબાલક નાથ અને કિરોરી લાલ મીનાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – 50 વર્ષથી માત્ર છ નેતા જ બન્યા CM, જાણો રાજસ્થાનની રાજનીતિનો રસપ્રદ ઇતિહાસ
ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુકાબલો
રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો છે. બન્ને પાર્ટીઓ સિવાય રાજ્યમાં સીપીઆઇ(એમ), રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી, ભારત આદિવાસી પાર્ટી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, આમ આદમી પાર્ટી, એઆઇએમઆઇએમ સહિત અનેક પાર્ટીઓ પણ મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના 40થી વધુ બળવાખોરો પણ મેદાનમાં છે.
2018માં શું હતું પરિણામ
2018 વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો કોંગ્રેસે સરકાર બનાવી હતી. કોંગ્રેસને 99, ભાજપને 73, માયાવતીની બસપાને 6 અને અન્યને 20 સીટો મળી હતી. 2018માં રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાઇ હતી. જેમાં 74.06 ટકા મતદાન થયું હતું.