Rajasthan Politics News: રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમના શપથ લીધા બાદ એક નવી સમસ્યા સામે આવી છે. રાજસ્થાન હાઈકોર્ટમાં શનિવારે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા અંગે જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી.
અરજદારે નાયબ મુખ્યમંત્રી પદ માટે લીધેલા શપથને ગેરબંધારણીય ગણાવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતના બંધારણમાં ડેપ્યુટી સીએમના કોઈ પદનો ઉલ્લેખ નથી. આ ભારતના બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. બંધારણમાં નાયબ મુખ્યમંત્રી જેવું કોઈ પદ નથી. આ એક રાજકીય હોદ્દો છે અને તે ગેરબંધારણીય છે. અરજદારે નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક રદ કરવાની અપીલ કરી છે.

રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઓમ પ્રકાશ સોલંકીએ શનિવારે આ અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે દિયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવાનું શપથ ગ્રહણ અને ડેપ્યુટી સીએમ તરીકે નિમણૂક ગેરબંધારણીય અને કાયદાની વિરુદ્ધ છે. એડવોકેટ ઓમ પ્રકાશ સોલંકીએ પોતાની અરજીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના સચિવ, મુખ્ય સચિવ, નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને પક્ષકાર બનાવ્યા છે.
હાઈકોર્ટના વકીલ સોલંકીએ તેમની અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારતના બંધારણમાં ક્યાંય પણ ડેપ્યુટી સીએમનું કોઈ પદ નથી અને ન તો આ પદ પર નિમણૂકની કોઈ જોગવાઈ છે. બંધારણના અનુચ્છેદ 163 અને 164 હેઠળ, રાજ્યપાલની મંત્રી પરિષદની નિમણૂક ફક્ત મુખ્યમંત્રીની ભલામણ પર કરવામાં આવે છે. શપથ માત્ર કલમ 163 હેઠળ લેવામાં આવે છે અને આમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓને શપથ લે છે.
એડવોકેટ ઓમ પ્રકાશ સોલંકીએ કહ્યું કે, જોકે, શુક્રવારે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા, જ્યારે બંધારણ હેઠળ માત્ર મંત્રીઓ જ શપથ લઈ શકે છે. આવી સ્થિતિમાં ડેપ્યુટી સીએમનું પદ કાલ્પનિક છે અને બંને ડેપ્યુટી સીએમ દ્વારા લીધેલા શપથ ગેરબંધારણીય છે. તેથી, અમે અપીલ કરી છે કે આ બંને પદો અને નિમણૂકોને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરવામાં આવે.
એડવોકેટે કહ્યું કે, સચિન પાયલટે પણ નાયબ મુખ્યમંત્રી પદના નહીં પરંતુ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાએ અગાઉની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું. બૈરવાએ કહ્યું કે તેમણે કેન્દ્રની યોજનાઓને અંતરિયાળ સુધી લઈ જવાની પ્રતિજ્ઞા લીધી. બૈરવાએ કહ્યું કે કોંગ્રેસ સરકાર નથી ઈચ્છતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કામ જનતા સુધી પહોંચે. તેમણે દાવો કર્યો હતો કે તેમણે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલી યોજનાઓના નામ બદલ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નવી સરકાર યોજનાઓને પાયાના સ્તરે લાગુ કરવાને પ્રાથમિકતા આપશે. બૈરવાએ અગાઉની સરકાર દરમિયાન દલિતો પર વધી રહેલા અત્યાચાર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો | દિયા કુમારી રાજસ્થાનના નાયબ સીએમ બન્યા, જયપુરના રાજ પરિવારનો મુઘલો સાથે સંબંધ અને તાજમહેલ પર દાવો, વાંચો ઇતિહાસ
તમને જણાવી દઈએ કે શુક્રવારે જયપુરમાં આલ્બર્ટ હોલની સામે આયોજિત શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભજનલાલ શર્માને રાજસ્થાનના મુખ્યમંત્રી અને દિયા કુમારી -પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. જે બાદ સીએમ અને બંને ડેપ્યુટી સીએમ એ એક જ દિવસે ચાર્જ સંભાળ્યો હતો. દિયા કુમારીએ શુક્રવારે સાંજે ઔપચારિક પૂજા – અર્ચના બાદ સચિવાલય કાર્યાલયમાં ચાર્જ સંભાળ્યો હતો.





