Rajasthan Deputy CM Diya Kumari and Prem Chand Bairwa : રાજસ્થાનના રાજકારણમાં પણ ભાજપે મધ્યપ્રદેશ જેવી રણનીતિ અપનાવી છે. રાજસ્થાનમાં પણ એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માની પસંદગી કરવામાં આવી છે. તો બે ડેપ્યુટી સીએમ તરીકે – દિયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવાની નિમણુંક કરાઇ છે. નોંધનિય છે કે, રાજસ્થાનના સીએમ પદની હરિફાઇમાં દિયા કુમારી, વસુંધરા રાજે અને બાલકનાથ પ્રબળ દાવેદાર હતા. જો કે ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવી ભાજપે ફરી સૌને ચોંકાવી દીધા છે. જાણો કોણ છે રાજસ્થાનના બે નવા નાયબ મુખ્યમંત્રી દીયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવા…
કોણ છે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારી? (Who Is Rajasthan Deputy CM Diya Kumari?)
દિયા કુમારીના રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમણે રાજસ્થાનની વિદ્યાધરનગર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી અને જંગી મતોથી જીત હાંસલ કરી હતી. જયપુરના રાજ પરિવારમાંથી આવતા દિયા કુમારીને રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે જોવામાં આવતા હતા. જો કે, ચૂંટણી સમયે સીએમના સવાલ પર તેઓ માત્ર એટલું જ કહેતા હતા કે, ‘પાર્ટીના આદેશ મુજબ કામ થશે.’
દિયા કુમારી જયપુરના પૂર્વ મહારાજ સવાઇ માનસિંહ ભવાની સિંહ અને મહારાણી પદ્મિની દેવીની એક માત્ર સંતાન છે. તેમણે દિલ્હીની મોર્ડન સ્કૂલ અને જયપુરની મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે લંડન ચાલ્યા ગયા હતા.
દિયા કુમારી પાસે છે અબજો રૂપિયાની સંપત્તિ (Rajasthan Deputy CM Diya Kumari Net Worth)
દિયા કુમારી જયપુરના રાજ પરિવારના સભ્ય છે. તેઓ જયપુરના અંતિમ શાસક મહારાજા માનસિંહના એક માત્ર પૌત્રી છે. તેમણે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની જયુપરની વિદ્યાધર નગર બેઠક પરથી લડી અને જંગી મતો સાથે જીત હાંસલ કરી હતી. વિધાનસભા ચૂંટણી લડવા માટે ચૂંટણી પંચને સોંપેલા એફિડેવિટમાં જણાવેલી માહિતી અનુસાર દિયા કુમારી પાસે 19 કરોડ 19 લાખ રૂપિયાની સંપત્તિ છે. તેમના નામે કોઇ જમની કે મકાન નથી પરંતુ સોના-ચાંદીના દાગીના છે.
દિયા કુમારીના સોગંદનામા અનુસાર તેની પાસે 28 કંપનીઓ છે અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં 14 કરોડ 85 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. એફડીઆરમાં દોઢ કરોડ રૂપિયા અને 8 બેંકોમાં 1.48 કરોડ રૂપિયા જમા છે. ઉપરાંત કરંટ એકાઉન્ટમાં 92 લાખ રૂપિયાથી વધારે થાપણ જમા છે.
તેઓ દર વર્ષે સરેરાશ બે કરોડ રૂપિયાથી વધારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ટેક્સ 3.27 કરોડ રૂપિયા વર્ષ 2019-20માં ફાઇલ કર્યો છે.
કોણ છે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પ્રેમ ચંદ બૈરવા? (Who Is Rajasthan Deputy CM Prem Chand Bairwa)
રાજસ્થાનમાં જે બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે તેમાં એક છે પ્રેમ ચંદ બૈરવા. દલિત સમુદાયમાંથી આવતા પ્રેમ ચંદ બૈરવાએ અખિલ ભારતીય વિદ્યાથી પરિષદથી વર્ષ 1995માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2013માં ધારાસભ્ય માટે ભાજપે જયપુરની દૂર્દુ વિધાનસભા બેઠકની એસસી વર્ગની રિઝર્વ બેઠક પર પ્રેમ ચંદ બૈરવાની ટિકિટ આપી અને તેઓ જીત્યા હતા.
વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં દૂર્દુ બેઠક પર પ્રેમ ચંદ બૈરવાએ કોંગ્રેસના બાબૂલાલ નાગર સામે 35743 મતોથી જીત હાંસલ કરી છે. જોકે પાંચ વર્ષ પહેલા વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ બાબૂલાલ નાગર સામે 15000 મતોથી હારી ગયા હતા. બૈરવા ઘણા શિક્ષિત છે અને તેઓ એમફિલ અને પીએચડીની ડિગ્રી ધરાવે છે. એસસી મોરચામાં ભાજપના સહ પ્રભારી અને બૈરવા મહાસભાના અધ્યક્ષ પદે કાર્યરત છે. તેઓ પાસે પેટ્રોલ પંપ ડીલર પણ છે.
આ પણ વાંચો | રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પર છે 46 લાખનું દેવુ, જાણો કેટલી સંપત્તિના માલિક છે
રાજસ્થાનના ડેપ્યુટી સીએમ પ્રેમ ચંદ બૈરવા પાસે કેટલી સંપત્તિ છે? (Rajasthan Deputy CM Prem Chand Bairwa Net Worth)
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 લડવા માટે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામા અનુસાર પ્રેમ ચંદ બૈરવા પાસે 4.83 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાં 4.45 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ સામેલ છે. તેમની ઉપર 98 લાખ રૂપિયાથી વધારે દેવુ છે.





