Rajasthan Election Result 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની આજે મતગણતરીઓ ચાલી રહી છે. રાજસ્થાનના વિધાનસભા ચૂંટણીના પરિણામ પર સૌની નજર છે મત ગણતરી ચાલી રહી છે ત્યારે રાજસ્થાનમાં રિવાજ જળવાઇ રહેશે કે નવો ઇતિહાસ રચાશે તે જોવાનું રહેશે. રાજસ્થાનમાં કોંગ્રેસની સત્તા જળવાઇ રહેશે કે ભાજપનો ભગવો લહેરાશે તેની ચર્ચા થઇ રહે છે. આ બધા વચ્ચે રાજસ્થાનના યોગી કહેવાતા ભાજપ નેતા બાબા બાલકનાથ યોગીની ચારે બાજુ ચર્ચા થઇ રહી છે.
આ પણ વાંચો | મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 લાઈવ, ભાજપ 120 પાર, કોંગ્રેસની પણ ફિફ્ટી
કોણ છે રાજસ્થાનના યોગી કહેવાતા બાબા બાલકનાથ? (Who is Rajasthan Yogi Mahant Balaknath)
બાબ બાલકનાથને રાજસ્થાનના યોગી પણ કહેવામાં આવે છે, તેઓ હિન્દુત્વના ફાયર બ્રાન્ડ નેતા છે. હાલમાં સાંસદ હોવાની સાથે બાલકનાથ મસ્તનાથ મઠના મહંત પણ છે. આ કારણથી તેમને રાજસ્થાનના યોગીનું બિરુદ આપવામાં આવ્યું છે. જો ભાજપ ચૂંટણી જશે તો તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રીની દોડમાં સામેલ થઇ શકે છે. રાજસ્થાનમાં વસુંધરા રાજે બાદ બાબા બાલકનાથને ભાજપના દમદાર નેતા માનવામાં આવે છે.

આ પણ વાંચો | તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2023, કોંગ્રેસ બહુમતને પાર, ભાજપને પણ ફાયદો
રાજસ્થાનના બાબા બાલકનાથ અને યુપીના યોગી વચ્ચે શું સમાનતા છે? (Rajasthan Yogi And Uttar Pradesh Yogi
રાજસ્થાનના તિજારા બેઠકના ભાજપ ઉમેદવાર બાબા બાલકનાથ હાલમાં અલવર લોકસભા બેઠક પરથી સાંસદ છે. ભાજપે હવે તેમને વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે. ભગવો પહેરેલા બાબા બાલકનાથ પણ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જેમ નાથ સંપ્રદાયના મઠના મહંત છે. તેઓ રોહતકમાં બાબા મસ્તનાથ મઠના મહંત અને અલવરના સાંસદ તરીકે સારી લોકપ્રિયતા ધરાવે છે. તેઓ પોતાના આક્રમક વલણ અને હિંદુત્વના એજન્ડાને કારણે પણ ચર્ચામાં રહે છે. તેમનો જન્મ 16 એપ્રિલ 1984ના રોજ અલવરના કોહરાના ગામમાં થયો હતો. બાલકનાથ એક એવા સાધુ છે જેમણે 6 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું અને હવે રાજસ્થાનના રાજકારણમાં તેમનું મોટું સ્થાન છે.
આ પણ વાંચો | છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ, શરુઆતી વલણમાં કોંગ્રેસ 21 સીટો પર આગળ, પાટનથી ભૂપેશ બઘેલ આગળ
કોણ છે ઈમરાન ખાન? (Rajasthan Tijara Seat Congress Candidate Imran Khan)
તિજારા બેઠક પર બાબા બાલકનાથની સાથે કોંગ્રેસ ઈમરાન ખાનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ વિસ્તારમાં મિશ્ર વસ્તી છે. પહેલા બસપાએ ઈમરાન ખાનને પોતાનો ઉમેદવાર બનાવ્યો હતો, પરંતુ પછી કોંગ્રેસે પણ તેમને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. ઈમરાન ખાન ભીવાડીના ખિદરપુરના રહેવાસી છે. ઈમરાન ખાન પાસે મોટા સિવિલ કોન્ટ્રાક્ટના કામ છે. તેઓ લાંબા સમયથી રાજકારણમાં પણ સક્રિય છે. ઈમરાન ખાન અને બાબા બાલકનાથ વચ્ચે ચૂંટણી મુકાબલો 2019ની લોકસભા ચૂંટણીમાં થઇ ચૂક્યો છે. ત્યારે ઈમરાન ખાને બસપાની ટિકિટ પર ચૂંટણી લડી અને હારનો સામનો કરવો પડ્યો.
આ પણ વાંચો | રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2023, ભાજપ બહુમતીને પાર, ગહેલોત – પાયલોટ આગળ
તિજારા બેઠક પર બાબા બાલકનાથ અને ઈમરાન ખાન બંનેમાંથી કોણ આગળ? (Rajasthan Tijara Seat Baba Balaknath vs Irman Khan)
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. તિજારા વિધાનસભા બેઠક પર ભાજપના બાબા બાલકનાથ અને કોંગ્રેસના ઈમરાન ખાન ઉમેદવાર છે. તિજારા બેઠક માટે 6 તબક્કાની મત ગણતરી થઇ ચૂકી છે. 12 વાગ્યા સુધીમાં મહંત બાલકનાથને 41642 વોટ અને ઈમરાન ખાને 20318 વોટ મળ્યા હતા.





