Rajasthan New CM Bhajanlal Sharma : રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે તેના સસ્પેન્સનો આખરે અંત આવી ગયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માની પસંદગી કરવામાં આવી છે. ભાજપે ફરી એક વખત બધાને ચોંકાવી દીધા છે. ભજનલાલ શર્મા સાંગાનેરથી ધારાસભ્ય છે અને રાજસ્થાન ભાજપમાં મહામંત્રી છે. તે પ્રથમ વખત જ વિધાનસભાની ચૂંટણી લડ્યા છે અને મુખ્યમંત્રીના જાહેર થયા છે. ડિપ્ટી સીએમ તરીકે દિયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવાની પસંદગી કરવામાં આવી છે. દીયા કુમારી રાજપૂત સમાજના છે જ્યારે પ્રેમચંદ બૈરવા દલિત સમાજના છે. વિધાનસભા સ્પીકર તરીકે વાસુદેવ દેવનાનીની પસંદગી કરવામાં આવી છે.
કેન્દ્રએ રાજસ્થાનના મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને નિરીક્ષક તરીકે મોકલ્યા હતા. ભાજપે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રીની પસંદગી કરી દીધી છે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ પછી ભાજપે રાજસ્થાનમાં પણ બધાને ચોંકાવી દીધા છે.
આ પણ વાંચો – મોહન યાદવની તાજપોશી પર કેમ રાજી થયા નરેન્દ્ર મોદી અને અમિત શાહ, જાણો 4 કારણો
ભજનલાલ શર્મા લગભગ 52 હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા
ભજનલાલ શર્માએ જયપુરની સાંગાનેર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેમને પ્રથમ ચૂંટણીમાં 1,45,162 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પુષ્પેન્દ્ર ભારદ્વાજને 97,081 મત મળ્યા હતા. દિયા કુમારી વિદ્યાધરનગરથી અને પ્રેમચંદ બૈરવા દુદુ મત વિસ્તારના ધારાસભ્ય છે. વાસુદેવ દેવનાની અજમેર ઉત્તરથી ધારાસભ્ય છે.
રાજસ્થાનમાં ભાજપે 115 બેઠકો પર વિજય મેળવ્યો હતો
રાજસ્થાનમાં 199 સીટોમાંથી ભાજપે 115 બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસે 69 સીટ પર જીત મેળવી હતી. ભારત આદીવાસી પાર્ટીએ 3 સીટ પર જીત મેળવી હતી. જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીએ 2, રાષ્ટ્રીય લોક દળે 1, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ 1 અને અપક્ષોએ 8 સીટો પર જીત મેળવી હતી. રાજસ્થાનમાં ભાજપને 41.69 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 39.53 ટકા વોટ મળ્યા હતા. બન્ને વચ્ચે વોટ શેરનો તફાવત 2.2 ટકાનો રહ્યો હતો. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને 2.4 ટકા, બીએસપીને 1.8 ટકા અને નોટાને 0.96 ટકા વોટ મળ્યા હતા.





