Rajasthan Politics Updates: રાજસ્થાનના રાજકારણ માટે આજનો દિવસ ખાસ છે. રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠક બોલાવાઇ છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સચિન પાયલોટ, અશોક ગેહલોત સહિત નેતાઓ ચર્ચા કરી રહ્યા છે. બેઠક બાદ રાહુલ ગાંધી બપોરે 3-30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં રાજસ્થાન રાજકીય સંકટ, નેતાગીરી સહિતના મુદ્દે ચર્ચા વિચારણા થવાની સંભાવના છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના ઝઘડાને ખતમ કરવા અને ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનને વધુ સારૂ કરવા માટે આ બેઠક મહત્વની બની રહેશે.
સચિન પાયલોટ ને મળી શકે છે મોટી જવાબદારી
કોંગ્રેસ નેતાઓની આ બેઠકને જોતાં રાજકીય ગલીઓમાં ચર્ચા છે કે પૂર્વ ડેપ્યૂટી સીએમ સચિન પાયલોટને આગામી ચૂંટણીને જોતાં મોટી જવાબદારી મળી શકે એમ છે. લાંબા સમયથી મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલ અણબણ ઉકેલવા માટે હાઇ કમાન્ડ દ્વારા અવારનવાર પ્રયાસ કરવામાં આવ્યા છે કે બંને વચ્ચેના સંબંધ સામાન્ય બને. જોકે છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે એકબીજા સામેની નિવેદનબાજી થોડી શાંત પડી હોય એવું લાગી રહ્યું છે.
કોંગ્રેસ બેઠકમાં કોણ હાજર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં રાજસ્થાનના મોટા તમામ નેતાઓ હાજર રહ્યા છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા આગામી વિધાનસા ચૂંટણી અંગે નેતાગીરી સ્પષ્ટ કરવાનો માનવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં રાજસ્થાન પ્રભારી સુખવિંદરસિંહ રંધાવા, પીસીસી ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા, પૂર્વ ડેપ્યૂટી સીએમ સચિન પાયલોટ, વિધાનસભા અધ્યક્ષ ડો. સીપી જોશી, ગુજરાત પ્રભારી અને પૂર્વ મંત્રી ડો. રઘુ શર્મા, પંજાબ પ્રભારી અને પૂર્વ મંત્રી હરિશ ચૌધરી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે.





