Vasundhara Raje : રાજસ્થાનના મુખ્યમંત્રીના ચહેરાને લઇને રાજકીય ચર્ચા ગરમ છે. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસુંધરા રાજેના સિવિલ લાઇન્સમાં સ્થિત નિવાસ સ્થાને પણ રાજકીય હલચલ જોવા મળી રહી છે. પાર્ટીના ઘણા ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો વસુંધરા રાજેના નિવાસસ્થાને તેમને મળવા પહોંચી રહ્યા છે.
વસુંધરા રાજેને મળવા આવેલા ધારાસભ્યોમાં બાબુ સિંહ રાઠોડ, અજય સિંહ, અર્જુન લાલ ગર્ગ અને અંશુમાન સિંહ ભાટીનો સમાવેશ થાય છે. ઘણા પૂર્વ ધારાસભ્યો પણ વસુંધરા રાજેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને રાજેને સીએમ બનાવવાની માંગ કરી હતી.
વસુંધરા રાજે જેપી નડ્ડા સાથે કરી ચુક્યા છે મુલાકાત
વસુંધરા રાજે 2 દિવસ પહેલા દિલ્હી પહોંચ્યા હતા અને અહીં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રાજસ્થાનમાં થઈ રહેલા ઘટનાક્રમનો રિપોર્ટ પણ પાર્ટી નેતૃત્વને સોંપ્યો હતો. વસુંધરા રાજેના સમર્થક ધારાસભ્યોએ ઘણી વખત કહ્યું છે કે રાજસ્થાન એક અનુભવી નેતાની શોધમાં છે અને આવી સ્થિતિમાં તે સીએમ પદ માટે ફિટ બેસે છે.
આ પણ વાંચો – વસુંધરા રાજેને સીએમ નહીં બનાવવા ભાજપ માટે કેટલું આસાન? આ સવાલો પર છે નજર
રાજનાથ સિંહ મંગળવારે જયપુર જશે
ભાજપે રાજસ્થાન માટે નિરીક્ષક તરીકે ત્રણ નેતાઓની નિમણૂક કરી છે. આમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ મુખ્ય ભૂમિકા ભજવશે. રાજનાથ સિંહ મંગળવારે જયપુર જશે અને ધારાસભ્ય દળની બેઠકનું નેતૃત્વ કરશે. આ દરમિયાન તેઓ ધારાસભ્યો સાથે વાત કરશે અને તેમનો અભિપ્રાય જાણશે. પહેલા આ બેઠક સોમવારે યોજાવાની હતી પરંતુ રાજનાથ સિંહના સોમવારે લખનઉમાં ઘણા કાર્યક્રમ છે. હવે આ બેઠક મંગળવારે યોજાશે.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપને પૂર્ણ બહુમત મળી છે. રાજસ્થાનમાં ભાજપે 115 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 66 બેઠકો મળી હતી. વસુંધરા રાજે આ પહેલા ભાજપ સરકારમાં મુખ્યમંત્રી હતા, પરંતુ આ વખતે વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે કોઇ સીએમ ચહેરા વગર ચૂંટણી લડી હતી. પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડી હતી. પાર્ટીએ ત્રણેય રાજ્યોમાં પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી છે. ભાજપે છત્તીસગઢ માટે પોતાના સીએમની જાહેરાત કરી દીધી છે. વિષ્ણુદેવ સાય રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે.





