Rajinikanth UP Tour : દિગ્ગજ અભિનેતા રજનીકાંત ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. હાલમાં જ તેમની ફિલ્મ ‘જેલર’ રિલીઝ થઈ છે અને રજનીકાંત આના સંદર્ભમાં અલગ અલગ રાજ્યોના પ્રવાસ કરી રહ્યા છે. શનિવારે રજનીકાંતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. રજનીકાંતે યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી તો તેમણે ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.
રજનીકાંતે યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. રવિવારે રજનીકાંતે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. અખિલેશ યાદવે રજનીકાંતને તેમના નિવાસસ્થાને ગળે લગાવીને સ્વાગત કર્યું હતું.
અખિલેશ યાદવે રજનીકાંત સાથેની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે. અખિલેશ યાદવે ટ્વિટ કરીને લખ્યું કે જ્યારે દિલ મળે છે, ત્યારે લોકો ગળે મળે છે. મૈસૂરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વખતે રજનીકાંત જી ને જોઇને જેટલો આનંદ થતો હતો તે આજે પણ અકબંધ છે. અમે 9 વર્ષ પહેલાં વ્યક્તિગત રુપે મળ્યા હતા અને ત્યારથી જ મિત્રો છીએ.
આ પણ વાંચો – કોંગ્રેસની વર્કિંગ કમિટીની જાહેરાત : ગુજરાતમાંથી જગદીશ ઠાકોર અને દીપક બાબરિયાને સ્થાન
પત્રકારો સાથેની વાતચીતમાં રજનીકાંતે કહ્યું કે નવ વર્ષ પહેલાં હું અખિલેશને મુંબઈમાં એક કાર્યક્રમમાં મળ્યો હતો. ત્યારથી અમારી મિત્રતા ચાલુ છે અને અમે ફોન પર વાત કરીએ છીએ. હું પાંચ વર્ષ પહેલાં અહીં એક શૂટિંગ માટે આવ્યો હતો, પરંતુ અખિલેશ ત્યાં ન હતા અને તેમને મળી શક્યો ન હતો. તે હવે અહીં છે અને હું તેમને મળ્યો છું.
રજનીકાંત અયોધ્યાની પણ મુલાકાત લેશે અને ત્યાં રામલલ્લાની મુલાકાત લેશે. રજનીકાંતની ઉત્તર પ્રદેશની મુલાકાત હેડલાઇન્સ બની છે. સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો રજનીકાંતને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કરવા બદલ ટ્રોલ પણ કરી રહ્યા છે. સાથે જ ઘણા લોકો કહી રહ્યા છે કે તેમણે યોગી આદિત્યનાથના ચરણસ્પર્શ કર્યા કારણ કે તેઓ ગોરક્ષપીઠાધીશ્વરના મુખ્ય મહંત છે.
તમને જણાવી દઈએ કે રજનીકાંતને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે ફિલ્મ જેલર પણ જોવાની હતી પરંતુ તે શક્ય બન્યું નહીં. કારણ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘણા કાર્યક્રમો હતા અને તેમાં વ્યસ્તતાને કારણે યોગી આદિત્યનાથ રજનીકાંત સાથે પોતાની ફિલ્મ જેલર જોઇ શક્યા ન હતા.