Rajnath Singh slams Pakistan : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે પોતાનું ઘર સંભાળે. કાશ્મીરનું નામ લેવાથી કશું મળશે નહીં. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) હંમેશાથી અમારો ભાગ છે. ભારતે પીઓકેને પાછું લેવા માટે વધુ કામ કરવાની જરૂર નથી. ત્યાની જનતા પણ ભારતમાં સામેલ થવા માંગે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન ભારત-અમેરિકા સંયુક્ત નિવેદન પર પાકિસ્તાનની પ્રતિક્રિયાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સ્વાભાવિક છે કે આ નિવેદનથી પાકિસ્તાન ભડકી ગયું છે. જેણે ભારત પર કાશ્મીરથી દુનિયાનું ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે હું પાકિસ્તાનને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી તેને કશું જ નહીં મળે. તમે તમારા ઘરનું ધ્યાન રાખો. ત્યાં જે પ્રકારની પરિસ્થિતિ છે, તે સાથે જો કંઈ પણ થાય તો તે આશ્ચર્યજનક ન થવું જોઈએ. રાજનાથ સિંહે કહ્યું કે પીઓકે પાછું લેવા માટે અમારે વધુ કામ કરવાની જરૂર નથી કારણ કે ભારત સાથે એક થવાની માંગ ત્યાંથી જ શરૂ થશે.
ગયા અઠવાડિયે એક સંયુક્ત નિવેદનમાં અમેરિકા અને ભારતે તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી હતી અને પાકિસ્તાનને આતંકવાદી હુમલા કરવા માટે તેના નિયંત્રણ હેઠળના કોઈ પણ પ્રદેશનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા કાર્યવાહી કરવા હાકલ કરી હતી. તેમણે 26/11ના મુંબઈ અને પઠાણકોટ એર બેઝ હુમલાના ગુનેગારોને ન્યાયના દાયરામાં લાવવાની પણ અપીલ કરી હતી.
આ પણ વાંચો – ઓબામાની ટિપ્પણી પર નિર્મલા સીતારમણે આપ્યો જવાબ, 6 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર કર્યો હતો બોમ્બમારો
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ તરત જ આ નિવેદનનો જવાબ આપતા જણાવ્યું હતું કે અમે 22 જૂન 2023ના યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત તરફથી સંયુક્ત નિવેદનમાં જારી કરાયેલા પાકિસ્તાન-વિશિષ્ટ સંદર્ભને અનિયંત્રિત, એકતરફી અને ગેરમાર્ગે દોરનારા તરીકે ગણીએ છીએ. સંદર્ભ રાજદ્વારી ધોરણોથી વિપરીત છે અને તેમાં રાજકીય પ્રભાવ છે. અમને આશ્ચર્ય થાય છે કે અમેરિકા સાથે પાકિસ્તાનના નજીકના આતંકવાદ વિરોધી સહકાર હોવા છતાં આ નિવેદન જાહેર કરાયું.
રાજનાથ સિંહે કહ્યું હતું કે પીઓકે પર ગેરકાયદેસર કબજો કરવોનો પાકિસ્તાનને કોઇ અધિકાર નથી. તેમણે ઉમેર્યું હતું કે સંસદ પાસે પહેલેથી જ સર્વાનુમતે ઠરાવ છે કે તે ભારતનો અભિન્ન ભાગ છે. આ સંદર્ભમાં સંસદે એક નહીં પણ ઘણાં ઠરાવો પસાર કર્યા છે.
જમ્મુ-કાશ્મીરનો કેટલોક વિસ્તાર પાકિસ્તાનના કબજામાં છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે ત્યાં રહેતા લોકો જુએ છે કે લોકો આ બાજુ શાંતિથી જીવી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન સરકાર તેમના પર અત્યાચાર કરે છે ત્યારે અમને દુ:ખ થાય છે.