Rajya Sabha Election : ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભા ચૂંટણીની તારીખ જાહેરાત કરવામાં આવી છે. 15 રાજ્યોની 56 સીટો પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. આ માટે 8 ફેબ્રુઆરીએ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ગુજરાતની 4 બેઠકો પર પણ ચૂંટણી યોજાશે. ગુજરાતમાંથી ભાજપના મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા તેમજ કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ રહી છે.
રાજ્યસભા ચૂંટણી 2024 કાર્યક્રમ જાહેર
રાજ્યસભા ચૂંટણી 2024 અંગે ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 15 રાજ્યોની 56 બેઠકો માટે 8 ફેબ્રુઆરીએ રાજ્યસભા ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 16 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. ઉમેદવારો 20 ફેબ્રુઆરી સુધી તેમના નામાંકન પાછા ખેંચી શકે છે. આ ચૂંટણીઓ માટે 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતદાન શરૂ થશે.
આ પણ વાંચો – નીતિશ કુમારની સાથે 8 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા, આ અપક્ષ ધારાસભ્યને પણ મળી તક
બિહારના જે છ રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થઈ રહ્યો છે. જેમાં આરજેડીના મનોજ કુમાર ઝા અને અશફાક કરીમ, જેડી(યુ)ના અનિલ પ્રસાદ હેગડે અને વશિષ્ઠ નારાયણ સિંહ, ભાજપના સુશીલ કુમાર મોદી અને કોંગ્રેસના અખિલેશ પ્રસાદ સિંહ સામેલ છે.
કયા રાજ્યોમાં કેટલી બેઠકો?
15 રાજ્યોની 56 સીટો પર રાજ્યસભા ચૂંટણી થશે. જેમાં ગુજરાતની 4 સીટો સિવાય, ઉત્તર પ્રદેશની 10, બિહાર, મહારાષ્ટ્રની 6-6, પશ્ચિમ બંગાળ-મધ્ય પ્રદેશની 5-5, કર્ણાટકમાં 4 , ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશમાં 3-3, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની 1-1 સીટો પર ચૂંટણી યોજાશે.