રાજ્યસભામાં જઇ શકે છે સોનિયા ગાંધી, કોંગ્રેસ પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજનને પણ ટિકિટ આપશે!

Rajya Sabha Election : સોનિયા ગાંધી અને રઘુરામ રાજનને કયા રાજ્યોમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવા તે અંગે પાર્ટી હાઈકમાન્ડ ટૂંક સમયમાં જ નિર્ણય લેશે

Written by Ashish Goyal
February 12, 2024 15:34 IST
રાજ્યસભામાં જઇ શકે છે સોનિયા ગાંધી, કોંગ્રેસ પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજનને પણ ટિકિટ આપશે!
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને સોનિયા ગાંધી (ફાઇલ ફોટો)

Rajya Sabha Election : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાજ્યસભામાં જઈ શકે છે. વધતી ઉંમર અને સ્વાસ્થ્યને કારણે તે ચૂંટણી લડવા માટે ઇચ્છુક નથી. આવી સ્થિતિમાં પાર્ટી તેમને રાજ્યસભામાં મોકલવા પર વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને હિમાચલ પ્રદેશથી રાજ્યસભામાં મોકલવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં છે.

એવી પણ ચર્ચા થઇ રહી છે કે પ્રિયંકા ગાંધી પણ હિમાચલ પ્રદેશથી રાજ્યસભામાં એન્ટ્રી લઇ શકે છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર અને વરિષ્ઠ અર્થશાસ્ત્રી રઘુરામ રાજનને પોતાના કોટામાંથી રાજ્યસભામાં મોકલી શકે છે. એવી શક્યતા છે કે પાર્ટી તેમને કર્ણાટકથી મેદાનમાં ઉતારે. ત્યાંથી હાલ 4 લોકો રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાના છે.

રાજ્યસભાની 56 બેઠકો પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે

એવી પણ ચર્ચા છે કે પાર્ટી તેમને મહારાષ્ટ્રથી પણ રાજ્યસભામાં મોકલી શકે છે. સોનિયા ગાંધી અને રઘુરામ રાજનને કયા રાજ્યોમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવા તે અંગે પાર્ટી હાઈકમાન્ડ ટૂંક સમયમાં જ નિર્ણય લેશે. રઘુરામ રાજન રાજ્યસભામાંથી રાજકારણમાં પ્રવેશ કરશે. રાજ્યસભાની 56 બેઠકો પર 27 ફેબ્રુઆરી 2024ના રોજ ચૂંટણી યોજાશે. 15 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી નોંધાવી શકાશે.

રઘુરામ રાજન રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા

રઘુરામ રાજન લાંબા સમયથી કોંગ્રેસની ખૂબ નજીક છે. રાહુલ ગાંધીની છેલ્લી ભારત જોડો યાત્રામાં પણ તેઓ જોડાયા હતા અને તેમની પ્રશંસા કરી હતી. મોદી સરકારની આર્થિક નીતિઓની ઘણી વખત જાહેરમાં ટીકા કરી ચૂકેલા રઘુરામ રાજનનો જન્મ 3 ફેબ્રુઆરી 1963ના રોજ ભોપાલમાં થયો હતો.

આ પણ વાંચો – રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 14 ઉમેદવારોના નામ જાહેર કર્યા, સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ સામેલ

ભારતીય અર્થશાસ્ત્રી રઘુરામ રાજન હાલમાં યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર છે. 2003થી 2006 સુધી તેઓ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાં મુખ્ય અર્થશાસ્ત્રી અને સંશોધન નિયામક હતા. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં સપ્ટેમ્બર 2013માં તેમને આરબીઆઈ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2016 સુધી તેઓ આ પદ પર રહ્યા. તેઓ રિઝર્વ બેંકના 23માં ગવર્નર હતા.

રાજ્યસભાની ચૂંટણી પછી ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં આ ચૂંટણીઓ તમામ પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ