રામનવમી પર બિહાર અને પશ્વિમ બંગાળમાં ભડેલી હિંસા બાદથી સ્થિતિ ગંભીર બની રહી છે. રવિવારે કેટલાક વિસ્તારોમાં ફરીથી હિંસાત્મક ઘટનાઓ જોવા મળી હતી. પશ્વિમ બંગાળના હુગલીમાં ભાજપની શોભાયાત્રા દરમિયાન ભારે આગચંપી અને પથ્થરમારો થયો હતો. બીજી તરફ બિહારમાં અત્યારે હિંસાની કોઈ તાજા ઘટના સામે આવી નથી. પરંતુ અત્યારે ભારેલા અંગ્ની જેવી સ્થિતિ છે. જેના પગલે મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનામાં અધિકારીઓ સાથે બેઠક કરી અને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કાનૂની વ્યવસ્થાને લઇને ચર્ચા કરી હતી. આ સાથે જ તેમણે એ લોકો સામે કડક એક્શન લેવા માટે નિર્દેશ કર્યો હતો જેઓ આ ઘટનાઓમાં સામેલ હતા.
બિહારના ડીજીપી આરએસ ભટ્ટીએ રવિવારે રાત્રે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. નાલંદાના એસપી અશોક મિશ્રાએ જણાવ્યું હતું કે હવે સ્થિતિ કાબુમાં છે. આ હિંસાત્મક ઘટનાઓમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 77 લોકોની ધરપકડ થઇ છે. પોલીસે કહ્યું કે દોષીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફોર્સ હજી પણ આ વિસ્તારમાં તૈનાત છે.
પશ્વિમ બંગાળના હુગલીમાં રવિવારે ભાજપની શોભા યાત્ર દરમિયાન આગચંપી અને પથ્થરમારો થયો હતો. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષના રિશડાના કાર્યક્રમમાં બબાલ થઈ હતી. ત્યારબાદ સુરક્ષાકર્મચારીઓને ઘોષને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા હતા. ઘટના બાદ આ વિસ્તારમાં પોલીસદળ તૈનાત કરવામાં આવ્યું છે. શોભાયાત્રા દરમિયાન મહિલાઓ અને બાળકો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
શોભાયાત્રા દરમિયાન મહિલાઓ અને બાળકો પર પણ પથ્થરમારો થયોહતો. આ પહેલા રામનવમીના દિવસે રાજ્યના હાવડા શહેરના કાજીપાડા વિસ્તારમાં હિંસાત્મક ઘટનાઓ થઇ હતી. આ દરમિયાન અનેક દુકાનો અને ઓટો રિક્શામાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ વાહનો અને કારોમાં આગ લગાવવામાં આવી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને બજરંગ દળ જેવા સંગઠનોના સભ્યો હથિયારો સાથે હાવડામાં થયેલી હિંમસામાં સામેલ હતા.