રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યાના બે દિવસ પછી પણ NCPના નેતાઓ અને કાર્યકરો તેમને પોતાનો નિર્ણય બદલવા વિનંતી કરી રહ્યા છે. આ દરમિયાન, શુક્રવાર (5 મે) ના રોજ પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામ માટે શરદ પવાર દ્વારા રચવામાં આવેલી 18 સભ્યોની સમિતિની બેઠક માં તેમનું રાજીનામું ફગાવી દેવામાં આવ્યું હતું. એનસીપીની કોર કમિટીએ પક્ષના વડા શરદ પવારને પક્ષનું નેતૃત્વ ચાલુ રાખવા વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો હતો.
શરદ પવારને કાર્યકાળ પૂર્ણ કરવા વિનંતી કરી હતી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની આ મહત્વપૂર્ણ બેઠક બાદ મીડિયાને સંબોધતા પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે, અમને શરદ પવારના નિર્ણય વિશે કોઈ માહિતી ન હતી, તેમણે અચાનક રાજીનામું જાહેર કર્યું. પટેલે કહ્યું કે, અમે બધા ચોંકી ગયા. અમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. અમે બેઠકમાં તેમને તેમનો કાર્યકાળ પૂરો કરવા વિનંતી કરી હતી. NCPના ઉપાધ્યક્ષ પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, “દેશના નેતા શરદ પવારજીએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું, જેને સર્વાનુમતે નકારી કાઢવામાં આવ્યું છે અને અમે તેમને પદ પર ચાલુ રાખવા અને તેમની જવાબદારી નિભાવવા વિનંતી કરીએ છીએ. અમે આ નિર્ણય લીધો છે.”
એનસીપી પ્રમુખની પસંદગી માટે સમિતિની બેઠક
શરદ પવારના સમર્થકોએ ગુરુવારે યશવંતરાવ ચવ્હાણ સેન્ટરની સીડિઓ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેઓએ સૂત્રોચ્ચાર કર્યા અને શરદ પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાલુ રાખવાની માંગ કરી. કેટલાક કાર્યકર્તાઓએ તેમને લોહીથી પત્રો પણ લખ્યા હતા. બેઠક પહેલા એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, શરદ પવારના રાજીનામાને ફગાવી દેવાનો ઠરાવ સૌથી પહેલા બેઠકમાં રજૂ કરવામાં આવશે અને તેઓ પોતે પવારના રાજીનામાને ફગાવી દેવાનો ઠરાવ રજૂ કરશે.
NCPના નવા પ્રમુખનો કોઈ પ્રશ્ન જ નથી – પ્રફુલ્લ પટેલ
બેઠક પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે NCPના નવા અધ્યક્ષની રેસમાંથી પોતાને બહાર કાઢી લીધા હતા. તેમણે કહ્યું કે તે દાવેદાર નથી અને તે જવાબદારી લેવા તૈયાર નથી. પ્રફુલ્લ પટેલે કહ્યું કે, શરદ પવારના રાજીનામા અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં નવા પ્રમુખને લઈને કોઈ પ્રશ્ન જ નથી.