પ્રજાસત્તાક દિવસ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન મુખ્ય અતિથી છે. ફ્રાન્સ અને ભારતની મિત્રતા ઘણા દાયકાઓ જૂની છે, આ એક એવો દેશ છે, જેણે ભારતનો સાથ ત્યારે પણ છોડ્યો નહીં, જ્યારે બીજા ઘણા દેશો ભારત સાથે વાત કરતા પણ ડરતા હતા. ત્યારે પ્રજાસત્તાક દીન પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન હવે ભારત આવ્યા છે. ભારત દ્વારા તેમને ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમના આવવાથી ભારત અને ફ્રાન્સ વચ્ચે મજબૂત મિત્રતાની પુષ્ટિ થાય છે. તો ચાલો આપણે સમજીએ કે ભારત માટે ફ્રાન્સ શા માટે મહત્વનું છે.
પ્રજાસત્તાક દિવસ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ભારતના અતિથી
પ્રજાસત્તાક દિવસ પર ફ્રાન્સના મહેમાન અહીં છે ત્યારે વાત કરીએ કે, ભારત અને ફ્રાન્સની મિત્રતા આમ તો વર્ષો જૂની છે, પરંતુ તેની પરીક્ષા 1998 માં થઈ હતી. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે, ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ પછી, ઘણા પશ્ચિમી દેશોએ ભારત પર પ્રતિબંધો લગાવ્યા, સ્થિતિ એવી હતી કે, કોઈ ભારતના રાજદૂતો સાથે વાત કરવા પણ માંગતા ન હતા. પરંતુ પછી ફ્રાન્સ એક એવા દેશ તરીકે ઉભરી આવ્યો, જેણે યુરોપના અન્ય દેશોના વિચારોને પાછળ છોડીને ભારતને શસ્ત્રો પૂરા પાડવાનું ચાલુ રાખ્યું. તેનો અર્થ એ કે, તેણે કોઈ પ્રકારના નિયંત્રણો લાદ્યા નહી.
ભારત અને ફ્રાન્સના વિચારો પણ એકબીજા સાથે મેળ ખાય છે. એટલા માટે જ પ્રજાસત્તાક દિવસ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિને ભારતમાં અતિથી તરીકે બોલાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ઘણા એવા મુદ્દા છે, જેના પર બંને દેશ હંમેશા સાથે ઉભા જોવા મળ્યા છે. આતંકવાદ હોય, જળવાયુ પરિવર્તન હોય કે યુએન કાઉન્સિલમાં ભારતનું કાયમી સભ્યપદ હોય, ફ્રાન્સે હંમેશા તેની મિત્રતા જાળવી રાખી છે. આ સિવાય જ્યારે ભારતે આર્ટિકલ 370 હટાવવાનું કામ કર્યું, ત્યારે ફ્રાન્સે તેનું સમર્થન કર્યું હતું. આ પણ એક કારણ છે કે, ફ્રાંસને ભારતની નજીક માનવામાં આવે છે.

હથિયારો પૂરા પાડવાના મામલામાં ફ્રાન્સ હંમેશા આગળ રહ્યું છે. રશિયા પછી ભારત જો કોઈ પાસેથી સૌથી વધુ હથિયાર ખરીદે છે તો તે ફ્રાન્સ છે. આ મામલે બંને દેશો વચ્ચે મિત્રતાની શરૂઆત આઝાદી પછી તરત જ થઈ હતી. સૌથી પહેલા 1953 માં ભારતે ફ્રાન્સ પાસેથી ફાઈટર એરક્રાફ્ટ દસોલ્ટ ઓરાગન ખરીદ્યું હતું. આ પછી, 1956 માં, ફ્રાન્સ પાસેથી 4 ડસોલ્ટ મિસ્ટર એરક્રાફ્ટ પણ લેવામાં આવ્યા હતા, જેમણે પહેલા 65 અને પછી 1971 ના યુદ્ધમાં ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં જ ભારતને ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાન પણ મળ્યું છે.
આ પણ વાંચો – પ્રજાસત્તાક દિવસ સુરક્ષા : શુઝ અને જેકેટ પર ખાસ નજર, ફેસ રેકગ્નિશન કેમેરા…, ખાસ હશે સુરક્ષા વ્યવસ્થા
ચીનની વધતી શક્તિને રોકવા માટે ભારતને હાલના સમયમાં ફ્રાન્સની જરૂર છે. હિંદ મહાસાગરમાં ચીનની દખલગીરી વધી રહી છે, તે વાત કોઈનાથી છુપી નથી. મોટી વાત એ છે કે, આ ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સ બંનેના વ્યૂહાત્મક હિત છે. આવી સ્થિતિમાં ચીનને રોકવા માટે ભારતને ફ્રાન્સનું સમર્થન મળતુ રહેવુ જરૂરી છે.





