વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું, “મહામારી અને યુદ્ધ વચ્ચે, વિશ્વના યુવાનો સમક્ષ નવી તકોનું સંકટ સર્જાયું છે. વિકસિત દેશોમાં પણ આર્થિક નિષ્ણાંતોને મોટી કટોકટીનો ડર છે. આવા સમયે અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે ભારત પાસે તેની આર્થિક ક્ષમતા દર્શાવવાની અને નવી તકોને પ્રોત્સાહન આપવાની સુવર્ણ તક છે.
પીએમ મોદીએ દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રોજગાર મેળામાં લગભગ 71,056 યુવાઓને સરકારી નોકરીના નિમણૂંક પત્રો આપ્યા હતા. નિમણૂકોના આ રાઉન્ડમાં અર્ધલશ્કરી દળોએ લગભગ 24,000 ભરતી કરી છે અને રેલવેમાં 4,000 ભરતી કરવામાં આવી છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે જણાવ્યું કે, “દેશના યુવાઓને રોજગાર મેળા મારફતે નિમણૂંક પત્ર આપવાનું આ અભિયાન ભવિષ્યમાં પણ આવી જ રીતે ચાલુ રહેશે.”

વડાપ્રધાને નોકરી શોધનારાઓને કહ્યું, “તમને આ નવી જવાબદારી એક ખાસ સમયે મળી રહી છે. દેશ અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યું છે. આપણે બધાએ આ સમયગાળા દરમિયાન ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ સાધવા માટે તમે દેશના ‘સારથિ’ બનવાના છો. પ્રધાનમંત્રીએ યુવાનોને રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ ગણાવી હતી અને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની પ્રતિભા અને શક્તિનો મહત્તમ ઉપયોગ કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે.
"કર્મયોગી પ્રરંભ"ની શરૂઆત
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સરકારી નોકરીમાં નવા નિમણુંક થયેલા કર્મચારીઓ માટે આયોજિત ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ “કર્મયોગી પ્રરંભ”ની પણ શરૂઆત કરી છે. આમાં આચારસંહિતા, કાર્યસ્થળની નૈતિકતા અને અખંડિતતા, હ્યુમન રિસોર્શ પોલિસીઓ અને સરકારી કર્મચારીઓ માટેના અન્ય લાભો અને ભથ્થાઓ સંબંધિત માહિતી શામેલ હશે.
ઓક્ટોબરમાં 75 હજાર યુવાઓને નિમણૂંક પત્રો અપાયા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ મંત્રાલયો અને વિભાગોને મંજૂર પોસ્ટ્સની હાલની ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવા માટે નિર્દેશ આપ્યો હતો. આ અંતર્ગત વિભાગોએ આ ભરતી કરી છે. આ પહેલા પીએમ મોદીએ ઓક્ટોબર મહિનામાં રોજગાર મેળો શરૂ કર્યો હતો. એક કાર્યક્રમમાં 75,000 યુવાઓને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા.

ગત વખતે જે કેટેગરીમાં યુવાનોની ભરતી કરવામાં આવી હતી તે ઉપરાંત આ વખતે શિક્ષકો, લેક્ચરર, નર્સ, નર્સિંગ ઓફિસર, ડોક્ટર્સ, ફાર્માસિસ્ટ, રેડિયોગ્રાફર અને અન્ય કેટલીક ટેકનિકલ અને પેરા મેડિકલ પોસ્ટ માટે પણ નિમણૂંક કરવામાં આવી છે.