હૈદરાબાદ પોલીસે બુધવારે એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ 903 કરોડ રૂપિયાના ચીનના નિવેશ ફ્રોડ સાથે જોડાયેલ છે. આ મામલે પોલીસે એક ચીની નાગરિક અને એક તાઇવાની નાગરિક સહિત 10 આરોપીઓની ધરપકડ કરી છે. લોક્સમ નામની એક રોકાણ એપમાં 1.6 લાખ રૂપિયાના રોકાણ કર્યા પછી એક નાગરિક સાથે ફ્રોડ થયું હતું. આ પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. તપાસ કરવા પર માહિતી સામે આવી કે ફરિયાદકર્તાના પૈસા ઇંડસઇંડ બેંકના ખાતામાં જિંદાઇ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ (Xindai Technologies Pvt Ltd)ના નામથી જમા કરવામાં આવ્યા હતા. આ પછી બધો ખુલાસો થયો હતો.
દિલ્હી અને મુંબઇથી હવાલા કોભાંડ ચલાવવાના આરોપમાં ચીની નાગરિક લેક ઉર્ફે લી ઝોંગજુન અને તાઇવાનના નાગરિક ચૂ-ચુન-યુની અન્ય આઠ લોકો સાથે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા અન્ય લોકોમાં સાહિલ બજાજ, સની ઉર્ફે પંકજ, વીરેન્દ્ર સિંહ, સંજય યાદવ, નવનીત કૌશિક, મોહમ્મદ પરવેજ, સૈયદ સુલતાન અને મિર્ઝા નદીમ બેગનો સમાવેશ થાય છે.
પોલીસના મતે દિલ્હીના રહેવાસી નવનીત કૌશિકે ગત વર્ષે બે મની એક્સચેન્જ રંજન મની કોર્પ પ્રાઇવેટ લિમિટેડ અને કેડીએસ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ માટે આરબીઆઈ પાસેથી લાઇસન્સ મેળવ્યા હતા. પોલીસની તપાસમાં માહિતી સામે આવી કે રંજન મનીના ખાતામાં સાત મહિનાના ગાળામાં 441 કરોડ રૂપિયાની લેવડદેવડ થઇ છે. અન્ય 462 કરોડ રૂપિયાની લેણદેણ કેડીએસ ફોરેક્સ તરફથી કરવામાં આવી હતી.
પોલીસ કમિશ્નરે કહ્યું કે તપાસ દરમિયાન એ વાત સામે આવી કે હવાલા દ્વારા 903 કરોડ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું છે. પૂણેના વીરેન્દ્ર સિંહની એક પીડિતની ફરિયાદ તપાસ અંતર્ગત ધરપકડ કરી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. તો તેણે ખુલાસો કર્યો કે જેકના આદેશ પર જિંદાઇ ટેકલોનોજી પ્રાઇવેટ લિમિટેડના નામથી એક બેંક ખાતું ખોલ્યું હતું. આ પછી ઇન્ટરનેટ બેકિંગનો યૂઝરનેમ અને પાસવર્ડ સહિત બેંક ખાતાની ડિટેલ જેકને આપી હતી.