આ વર્ષે ભારતના રાજકારણમાં 20મી અને 21મી સદીના રાજકારણને આકાર આપનારી બે વિચારધારાઓનો જન્મ એક જ દિવસે આવ્યો છે. ભારતમાં એક જ દિવસે બે મોટી ઘટનાઓનો અજબ સંયોગ રચાયો છે: એક તરફ મહાત્મા ગાંધીજીની જન્મજયંતી ઉજવાઈ રહી છે, તો બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તેના સ્થાપનાના 100મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ બંને વિચારધારાના મૂળભૂત સિદ્ધાંતોમાં જમીન આસમાનનો તફાવત હોવા છતાં, તેમનો અજબ યોગાનુયોગ જોવા મળી રહ્યો છે.
આ લેખમાં આપણે આરએસએસના 100 વર્ષનો ઇતિહાસ, તેના સ્થાપકો, નેતૃત્વ, સંસ્થાકીય માળખું, અને તેના ફેલાવાને વિગતવાર સમજીશું.
સ્થાપના અને પ્રારંભિક વિચારધારા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એક સામાજિક સાંસ્કૃતિક સંસ્થા છે, જેની સ્થાપના 27 સપ્ટેમ્બર, 1925 ને દશેરાના દિવસે નાગપુરમાં ડૉ. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. સંઘનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સમાજને સંગઠિત કરવાનો અને રાષ્ટ્રીય ચેતનાનું સંવર્ધન કરવાનો હતો. સંઘની સ્થાપના પૂર્વે ડૉ. હેડગેવાર પોતે કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા હતા અને ગાંધીજીના સત્યાગ્રહને સમર્થન આપતા હતા.
સંઘ અને કોંગ્રેસ સેવા દળ
દેશના યુવાનોમાં શિસ્ત અને સંસ્કાર મૂલ્યો કેળવવા માટે 1923માં કોંગ્રેસે ‘કોંગ્રેસ સેવા દળ’ સંગઠનની સ્થાપના કરી હતી, એ વખતે હેડગેવાર કોંગ્રેસના સભ્ય હતા. પરંતુ વિચારધારા સહિત કારણોસર કોંગ્રેસથી અલગ થઇ હેડગેવારે 1925માં સંઘની સ્થાપના કરી. રસપ્રદ વાત એ છે કે સેવા દળનો ગણવેશ (ટોપી, હાફ પેન્ટ અને ખમીશ) સંઘના સ્વયંસેવકો માટે નક્કી કરાયેલા પોશાક જેવો જ હતો. જોકે, ગાંધીજીની સેક્યુલર વિચારધારાથી સંઘનો મૂળભૂત સિદ્ધાંત અલગ હતો, જે ધાર્મિક રાષ્ટ્રીયતા પર આધારિત હતો.
સંસ્થાકીય માળખું અને નેતૃત્વનો પ્રવાસ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું માળખું અત્યંત શિસ્તબદ્ધ અને કાર્યક્ષમ છે, જેના વડાને સરસંઘચાલક કહેવામાં આવે છે. જેમને સંગઠનમાં સુપ્રીમ લીડર ગણવામાં આવે છે. સરસંઘચાલક તેમના ઉત્તરાધિકારીની જાહેરાત કરે છે. સરસંઘચાલક પછીનું પદ સરકાર્યવાહનું હોય છે, જે સંગઠનની દૃષ્ટિએ જનરલ સેક્રેટરી સમાન છે. એ પછી સહકાર્યવાહ, વિચારક, પ્રચારક અને સ્વયંસેવકોનું માળખું કામ કરે છે.
સંઘ 100 વર્ષનો ઇતિહાસ, છ સરસંઘચાલક
- ડૉ. કેશવ બલિરામ હેડગેવાર (1925-1940): સંઘના સ્થાપક અને પ્રથમ વડા. તેમણે 14 વર્ષ અને 298 દિવસ સુધી સંઘનું નેતૃત્વ કર્યું.
- માધવ સદાશિવરાવ ગોલવલકર ‘ગુરુજી’ (1940-1973): હેડગેવારના અવસાન બાદ તેઓ વડા બન્યા. 32 વર્ષ સુધી આ પદ પર રહીને, તેમણે સંઘનો વ્યાપ સમગ્ર ભારતમાં વિસ્તાર્યો.
- મધુકર દત્તાત્રેય દેવરસ ‘બાલાસાહેબ’ (1973-1994): તેમણે સમાજના વંચિત અને દલિત વર્ગ સાથે સંપર્ક સ્થાપવાની નીતિ અપનાવી. તેમના કાર્યકાળ દરમિયાન 1975ની કટોકટીમાં સંઘ પર પ્રતિબંધ મૂકાયો હતો.
- રાજેન્દ્ર સિંહ ‘રજ્જુ ભૈયા’ (1994-2000): ફિઝિક્સના પ્રોફેસર રહેલા રજ્જુ ભૈયાના નેતૃત્વમાં સંઘે સામાજિક સમરસતા, શિક્ષણ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે વિશેષ ધ્યાન આપ્યું.
- કે. એસ. સુદર્શન (2000-2009): ઇજનેરીના અભ્યાસ બાદ પ્રચારક બનેલા સુદર્શને રાષ્ટ્રીય સુરક્ષા, સ્વદેશી આર્થિક નીતિ અને સાંસ્કૃતિક જાગૃતિ પર ભાર મૂક્યો.
- મોહન ભાગવત (2009-વર્તમાન): સંઘના છઠ્ઠા સરસંઘચાલક. તેમના નેતૃત્વ હેઠળ સંઘ સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામ વિકાસ જેવા મુદ્દાઓને વિશેષ મહત્વ આપી રહ્યું છે.
સંઘનો ફેલાવો: શાખાઓ અને સંગઠનો
સંઘની કાર્યપદ્ધતિ તેની શાખા પર આધારિત છે, જ્યાં રોજિંદા પ્રાર્થના, શારીરિક કસરતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા શિસ્ત, એકતા અને રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં આવે છે. ગુજરાતમાં સંઘની પ્રથમ શાખા ૧૯૩૮માં વડોદરામાં શરૂ થઈ હતી. ગોપાલરાવ ઝીઝી નામના એક વિદ્યાર્થીએ ગોખરું મેદાનમાં તેની શરૂઆત કરી હતી.
આજે, સંઘનું માળખું વિશ્વનું સૌથી મોટું જમણેરી સંગઠન ગણાય છે. વર્તમાનમાં, સંઘની 83 હજારથી વધુ સક્રિય દૈનિક શાખાઓ ચાલે છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના 51 હજારથી વધુ જાહેર સ્થળોએ આ શાખાઓ યોજાય છે. સંઘના સભ્યોની સંખ્યા એક કરોડથી વધુ હોવાનો અંદાજ છે, જેમાંથી છ લાખ સભ્યો દૈનિક શાખામાં સહભાગી થાય છે. દેશભરમાં 1.27 લાખથી વધુ એક્ટિવિટીઝનું આયોજન થાય છે, જેમાં શાખા, સાપ્તાહિક મિલન અને માસિક મંડળીઓનો સમાવેશ થાય છે.
આરએસએસનો ફેલાવો માત્ર એક સંગઠન પૂરતો સીમિત નથી. સંઘ પરિવારમાં ૩૫થી વધુ સંલગ્ન સંગઠનો સક્રિય છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP), અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), ભારતીય કિસાન સંઘ અને ભારતીય મજૂર સંઘ જેવા સંગઠનોનો સમાવેશ થાય છે.
RSS પર પ્રતિબંધ અને પડકારો
સંઘના 100 વર્ષના ઇતિહાસમાં કૂલ ત્રણ વખત પ્રતિબંધ મુકાયો છે. આઝાદી પહેલા એક વખતે અંગ્રેજ શાસનમાં અને આઝાદી બાદ બે વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા.
- ગાંધીજીની હત્યા પછી (1948): દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 4 ફેબ્રુઆરી, 1948ના રોજ સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગાંધીજીનો હત્યારો નથુરામ ગોડસે સંઘનો સભ્ય હતો, જેના કારણે આ પગલું લેવાયું હતું. સંઘે આંતરિક બંધારણ ઘડવાની અને ભારતના બંધારણ પ્રત્યે કટિબદ્ધતા દર્શાવવાની શરત સ્વીકાર્યા બાદ 11 જુલાઈ, 1949ના રોજ પ્રતિબંધ હટાવી લેવાયો હતો.
- કટોકટી દરમિયાન (1975): ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ દેશ પર કટોકટી લાદી ત્યારે પણ સંઘ પર પ્રતિબંધ મૂકાયો હતો. જોકે, સંઘના કાર્યકરો ભૂગર્ભમાં રહીને આંદોલન ચલાવતા રહ્યા, અને આખરે જનતા મોરચાની સરકાર બન્યા બાદ 1977માં પ્રતિબંધ હટાવી લેવાયો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની સફર અનેક ઉતાર-ચઢાવ અને પડકારો ભરેલી છે. સ્વાતંત્ર્ય આંદોલનમાં સીધી રાજકીય ભૂમિકા ન ભજવતા, સંઘે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું. આજે તે ભારતમાં સૌથી મોટી સ્વયંસેવક સંસ્થાઓમાંની એક છે, જેનો પ્રભાવ રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સ્પષ્ટ જોવા મળે છે.
એક મજબૂત અને સંયુક્ત હિન્દુ સમાજ એ રાષ્ટ્રની સુરક્ષાની ગેરંટી છે: મોહન ભાગવત
ગાંધીજીની વિચારધારા સાથેના તેના વિરોધ અને યોગાનુયોગનો અનોખો પ્રસંગ આજે પણ ચર્ચાનો વિષય છે. આ સંગઠન લાખો કાર્યકરો અને સંલગ્ન સંગઠનોના માળખા સાથે ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે.