G 20 Summit : દેશની રાજધાની નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી જી-20 સમિટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. પીએમઓ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ફોન પર થયેલી વાતચીત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના વિવિધ મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી હતી. જોહાનિસબર્ગમાં તાજેતરમાં સંપન્ન થયેલી બ્રિક્સ સમિટ સહિત પરસ્પર સંબંધિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.
રશિયાના રાષ્ટ્રપતિ જી-20માં ભાગ લેવાના નથી
રશિયા પહેલા જ જાહેરાત કરી ચૂક્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નવી દિલ્હીમાં યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેશે નહીં. પીએમઓએ જણાવ્યું કે રશિયાના રાષ્ટ્રપતિએ આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે જી-20 સમિટમાં ભાગ લેવા માટે અસમર્થતા વ્યક્ત કરી હતી. તેમણે પીએમ મોદીને કહ્યું કે તેમની જગ્યાએ રશિયાનું પ્રતિનિધિત્વ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ કરશે.
ચંદ્રયાન-3ની સફળતા પર અભિનંદન
ક્રેમલિન તરફથી કહેવામાં આવ્યું કે ફોન પર થયેલી વાતચીત દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ ચંદ્રયાન-3ની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. ચંદ્રયાન-3એ ગત દિવસોમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓએ સ્પેસ એક્સપ્લોરેશનમાં દ્વિપક્ષીય સહયોગને વધુ વિકસિત કરવાની તેમની ઇચ્છાની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો – પહેલા મધ્યપ્રદેશ, પછી છત્તીસગઢ અને હવે બિહારમાં ચૂંટણી લડશે AAP, કેજરીવાલની મહત્વકાંક્ષા INDIA ગઠબંધનને ડુબાડશે!
ગૃહ મંત્રાલયે દિલ્હીમાં સુરક્ષાને લઈને અનેક રાઉન્ડની બેઠકો યોજી
ગૃહ મંત્રાલયે દિલ્હીમાં સુરક્ષાને લઈને અનેક રાઉન્ડની બેઠકો યોજી છે. દિલ્હીમાં સુરક્ષા માટે હજારો સુરક્ષા દળો તૈનાત છે. સુરક્ષા માટે અર્ધલશ્કરી દળો અને NSG કમાન્ડોને પણ બોલાવવામાં આવ્યા છે. દક્ષિણ દિલ્હી અને VVIP વિસ્તારોને અભેદ્ય કિલ્લાઓમાં ફેરવી દેવામાં આવ્યા છે. G20 મીટિંગની સુરક્ષા માટે CRPF ની 50 ટીમો તૈયાર કરવામાં આવી છે. આમાં લગભગ 1000 જવાન સામેલ થશે. આ જવાનોને એક યા બીજા સમયે VIP સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.
ગ્રેટર નોઈડામાં સ્થિત CRPF ના VIP સુરક્ષા તાલીમ કેન્દ્રમાં હજારો સૈનિકોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 300 જેટલા બુલેટ પ્રુફ વાહનો પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે સ્થળ પર તૈનાત રહેશે. જે 1000 જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે, તેઓ એક યા બીજા સમયે VIP સુરક્ષાનો ભાગ રહ્યા છે. આ એવા કમાન્ડો છે, જેમણે NSG અથવા SPG જેવા એકમો સાથે એક યા બીજા સમયે કામ કર્યું છે. આ તમામ જવાનો વિદેશથી આવેલા રાષ્ટ્રીય અધ્યક્ષોના વીઆઈપી કાફલામાં રસ્તા પર ચાલશે.
દિલ્હીના IGI એરપોર્ટ અને ગાઝિયાબાદના હિંડન એરબેઝથી પ્રગતિ મેદાન સુધી મહેમાનોને એસ્કોર્ટ કરવા માટે વિશેષ તાલીમ લઈ રહેલા વિશેષ કર્મચારીઓ જવાબદાર રહેશે. 20 દેશોના વડાઓને એરપોર્ટની બહાર લઈ જવા, મીટીંગ હોલમાં લઈ જવા અને હોટલમાં લાવવામાં કયા પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે, તેની પણ જવાનોને તાલીમ આપવામાં આવી રહી છે.