S Jaishankar speaks UN General Assembly : વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસા સામે તેમની પ્રતિક્રિયા નક્કી કરવાના માર્ગમાં રાજકીય અનુકૂળતાને વચ્ચે ના આવવા દેવા હાકલ કરી હતી. રાજદ્વારી અવરોધ વચ્ચે આ નિવેદન કેનેડા પર એક રીતે પ્રહાર હોવાનું જણાય છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78માં સત્રને સંબોધિત કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે ક્ષેત્રીય અખંડતા પ્રત્યે સન્માન તથા આંતરિક મામલામાં હસ્તક્ષેપની કવાયદ ઉપયોગ મનપસંદ રીતે ન કરી શકાય. તેમણે કહ્યું હતું કે એ દિવસો ગયા જ્યારે કેટલાક રાષ્ટ્રો એજન્ડા નક્કી કરતા હતા અને આશા કરતા હતા કે બીજા પણ તેમની વાત માની લે.
તેમણે કહ્યું કે દુનિયા ઉથલ-પુથલના અસાધારણ સમયમાંથી પસાર થઈ રહી છે. આ સમયમાં ભારતનું ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’નું વિઝન માત્ર કેટલાક દેશોના સંકુચિત હિતો પર જ નહીં, પરંતુ અનેક દેશોની મુખ્ય ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છે છે. જી20નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જી20માં આફ્રિકી સંઘનો સમાવેશ કરવાથી સંયુક્ત રાષ્ટ્રને સુરક્ષા પરિષદને પણ સમકાલીન બનાવવા માટે પણ પ્રેરણા મળવી જોઈએ.
આ પણ વાંચો – હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હોવાના પુરાવા આપશે NIA, ચાર્જશીટમાં મોટો ખુલાસો
તેમણે ગ્લોબલ ડિપ્લોમેસીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે બિનજોડાણવાદી યુગથી નીકળીને હવે આપણે વિશ્વ મિત્રની અવધારણા વિકસિત કરી છે. જ્યારે આપણે અગ્રણી શક્તિ બનવાની ઇચ્છા રાખીએ છીએ ત્યારે તે આત્મ-પ્રશંસા માટે નહીં પરંતુ વધુ મોટી જવાબદારી લેવા અને વધુ ફાળો આપવા માટે હોય છે. કોઈ પણ રાષ્ટ્રનો ઉલ્લેખ કર્યા વિના તેમણે કહ્યું કે હજુ પણ કેટલાક દેશો છે જે એજન્ડાને આકાર આપે છે અને માનદંડોને વ્યાખ્યાયિત કરવા માંગે છે. આ અનિશ્ચિત કાળ સુધી ચાલી શકે નહીં.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ વર્ષની શરૂઆતમાં કેનેડામાં નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યા બાદ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને ફટકો પડ્યો હતો.