Sanatan Dharma: તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ સનાતન ધર્મ વિશે કરેલા નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. હવે આ વિવાદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર વાત રાખી છે. મંત્રીપરિષદની બેઠકમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઉદયનિધિના નિવેદનનો યોગ્ય જવાબ આપવો ખૂબ જરૂરી છે. આ ઉપરાંત તેમના તરફથી એ વાત ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે કે ઇન્ડિયા વિરુદ્ધ ભારતની જે ડિબેટ ચાલી રહી છે તેના પર ખુલીને કશું પણ બોલવાની મનાઈ કરી છે.
જી20 સમિટ પહેલા પીએમ મોદીએ પોતાના તમામ મંત્રીઓની મહત્વની બેઠક બોલાવી હતી. તે બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. કોઈ સત્તાવાર વાત કરવામાં આવી નથી પરંતુ થોડા દિવસોમાં સંસદનું વિશેષ સત્ર આવવાનું છે, ચૂંટણીની મોસમ ચાલી રહી છે. આથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ તમામ મુદ્દાઓ પર ગંભીર મનોમંથન કરી શકાય છે. સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. જેમાં મહિલા અનામત બિલ, યુસીસી અને એક દેશ એક ચૂંટણી પર બિલ લાવી શકાય છે.
વધુમાં પીએમ મોદીએ મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને સલાહ આપી કે જી-20નું જે ડિનર આયોજિત છે તેમાં બધા પોતાની ગાડીઓથી જ આવે.
આ પણ વાંચો – સનાતન ધર્મનો અર્થ, ઉત્પત્તિ, ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ શું છે?
એક દેશ એક ચૂંટણી પર શું ચર્ચા?
એક દેશ એક ચૂંટણી વાળા મુદ્દા પર તો સરકાર ઘણી આગળ વધી ગઇ છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથકોવિંદની આગેવાનીમાં એક કમિટી બનાવવામાં આવી છે. તે કમિટીમાં કોવિંદ સાથે સાત અન્ય સભ્યોનો સમાવેશ કરાયો છે. ગૃહમંત્રી અમિત શાહ પણ આ કમેટીનો ભાગ છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી આ કમિટીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ શું કહ્યું હતું
એક સંમેલનમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. અમુક વસ્તુઓનો વિરોધ ન કરી શકાય, તેને ખતમ જ કરી દેવા જોઈએ. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મલેરિયા કે કોરોનાનો વિરોધ ન કરી શકીએ, આપણે તેને ડામવા પડશે. એ જ રીતે સનાતનને પણ સમાપ્ત જ કરવો પડશે.