મનોજ દત્તાત્રેય મોરે : ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હિન્દુત્વના વિચારક વીર સાવરકરનું અપમાન કરવા સામે ચેતવણી આપ્યાના એક દિવસ પછી શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું કે તેઓ રાહુલને મળશે અને તેમના ભાષણો અને પ્રેસ કોન્ફરન્સમાં સાવરકરનો ઉલ્લેખ કરવાનું ટાળવા માટે તેમને સમજાવવાનો પ્રયાસ કરશે. શિવસેના (યુબીટી)ના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે સોમવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે વીર સાવરકર અમારા દેવતા છે. સાવરકર અમારી આસ્થા સાથે જોડાયેલા છે. અમે તેમનું અપમાન સહન કરી શકતા નથી.
આ જ વિષય પર સોમવારે મુંબઈમાં પત્રકારોને સંબોધતા રાઉતે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં નવી દિલ્હીમાં રાહુલ ગાંધીને મળશે. તેમણે કહ્યું કે હું વીર સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરીશ. હું તેમને સાવરકરે આપેલા બલિદાન વિશે સમજાવીશ. તેમણે આંદામાન અને નિકોબાર જેલમાં 14 વર્ષ વિતાવ્યા. તેમને કાલા પાનીની સૌથી ખરાબ સજા આપવામાં આવી હતી.
સંજય રાઉતે કહ્યું કે મારા જેવા જેઓ જેલમાં ગયા છે તેઓ જાણે છે કે ત્યાં એક દિવસ પણ જીવવું કેટલું મુશ્કેલ છે. જરા વિચારો સાવરકરે 14 વર્ષ જેલમાં વિતાવ્યા હતા જ્યાં તેમને સંપૂર્ણ યાતનાઓ સહન કરવી પડી હતી. રાહુલ ગાંધીએ સાવરકરની વેદના અને બલિદાનને સમજવાની જરૂર છે. મને ખાતરી છે કે કોંગ્રેસના નેતા મને ધીરજપૂર્વક સાંભળશે અને સાવરકરનું અપમાન કર્યા વિના તેમના જીવન અને સમયને સમજવાનો પ્રયત્ન કરશે.
રાઉતે ઉમેર્યું કે અમને સાવરકર માટે માફીવીર જેવા શબ્દોના ઉપયોગ સામે વાંધો છે. આ રીતે સાવરકરના બલિદાનને તુચ્છ ગણાવીને રાહુલ ગાંધી પોતાની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી અને જેના દેશભરમાંથી વખાણ થયા છે.
સેના (યુબીટી) નેતાએ કહ્યું કે રાહુલે વારંવાર કહે છે કે સાવરકરે માફી માંગી છે પણ તે એક જ વાતનું કેટલી વાર પુનરાવર્તન કરશે? અમને આશા ન હતી કે રાહુલ ગાંધી અત્યાર સુધી મૃતક માટે તેમની દુશ્મનાવટ ચાલું રાખશે. કોંગ્રેસ નેતાએ સાવરકર સામેની તેમની તીવ્ર લાગણીઓને બંધ કરવાની જરૂર છે. કારણ કે તે પોતાના બચાવ માટે જિવિત નથી. તેમણે તેમના ભાષણો અને પ્રેસ કોન્ફરન્સમાં સાવરકરનો ઉલ્લેખ કરવાનું બંધ કરવું જોઈએ. ઘણા મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ છે જેના પર તે કોઈ પણ જાતના ડર વગર પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. તમણે તે કરતા રહેવું જોઈએ. દેશને તેમના જેવા નેતાની જરૂર છે.
રાઉતે કહ્યું કે સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહેલાથી જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેમની પાર્ટી સાવરકરનું અપમાન સહન કરશે નહીં. રાહુલ ગાંધીએ પણ અમારી ભાવનાઓને સમજવાની જરૂર છે. સાવરકર અમારા માટે આસ્થાનો વિષય છે અને તેથી અમે તેમનું અપમાન અથવા અનાદર કરવા માટે કંઈપણ સહન કરીશું નહીં.
શિવસેનાના મુખપત્ર સામનાએ સોમવારે તેના સંપાદકીયમાં કહ્યું કે રાહુલ ગાંધી વારંવાર કહે છે કે મારું નામ સાવરકર નથી. આવા નિવેદનો કરીને રાહુલ ગાંધી કોંગ્રેસને હિંમત નહીં આપે. સાવરકર માટે લોકોમાં જે પ્રેમ અને પ્રશંસા છે તેમાં પણ તે ઘટાડો કરશે નહીં. સાવરકર એટલે હિંમત, સાવરકર એટલે અન્યાય સામે લડવું. અંગ્રેજો સામે લડવા માટે વીર સાવરકરે દેશમાં અને બહાર યોદ્ધાઓ બનાવ્યા હતા. સાવરકરની જેમ રાહુલ ગાંધીએ પણ પોતાની પાર્ટીમાં યોદ્ધાઓ બનાવવા પડશે જેથી તેઓ વર્તમાન શાસકોનો સામનો કરી શકે.
સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે રાહુલને 2019ના માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ તેમની સાથે અન્યાય છે. પરંતુ જો તે સાવરકરનું અપમાન કરીને સત્ય માટે લડવાનો પ્રયાસ કરે છે તો તે ક્યારેય જીત મેળવી શકશે નહીં.