NCP Chief Sharad Pawar : એનસીપીના અધ્યક્ષ શરદ પવારે પોતાનું રાજીનામું પરત લઇ લીધું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતની જાહેરાત કરી હતી. શરદ પવારે કહ્યું કે હું તમારી ભાવનાઓનું અપમાન કરી શકું નહીં. તમારા પ્રેમના કારણે મારું રાજીનામું પરત લેવાની માંગણી અને એનસીપીના વરિષ્ઠ નેતાઓ દ્વારા પારિત પ્રસ્તાવનું હું સન્માન કરું છું. હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદથી રાજીનામું આપવાનો પોતાનો નિર્ણય પરત લઉં છું.
પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારની ગેરહાજરીને લઇને સવાલ કર્યો તો શરદ પવારે કહ્યું કે કમિટીએ આ નિર્ણય કર્યો છે અને તેમના નિર્ણય પછી મેં પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે. બધા એકજુટ છે અને વાતચીત ચાલી રહી છે. કમિટીમાં સીનિયર નેતા છે. તેમણે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં દરેક નેતા હાજર રહે તે જરૂરી નથી. કેટલાક લોકો અહીં છે અને કેટલાક નથી. જોકે આજે સવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ સર્વસંમત્તિથી નિર્ણય લીધો અને મને જાણ કરી હતી. આ દ્વારા બધાએ પોતાની ભાવના વ્યક્ત કરી હતી.એનસીપી ચીફે આગળ કહ્યું કે તેથી એ સવાલ ઉઠાવવો કે કોણ હાજર છે અને કોણ નથી તેનો અર્થ શોધવો યોગ્ય નથી.
આ પણ વાંચો – પીએમ મોદીએ ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આતંકને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો
શુક્રવાર (5 મે) ના રોજ પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામ માટે શરદ પવાર દ્વારા રચવામાં આવેલી 18 સભ્યોની સમિતિની બેઠક માં તેમનું રાજીનામું ફગાવી દેવામાં આવ્યું હતું. એનસીપીની કોર કમિટીએ પક્ષના વડા શરદ પવારને પક્ષનું નેતૃત્વ ચાલુ રાખવા વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો હતો.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની આ મહત્વપૂર્ણ બેઠક બાદ મીડિયાને સંબોધતા પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે, અમને શરદ પવારના નિર્ણય વિશે કોઈ માહિતી ન હતી, તેમણે અચાનક રાજીનામું જાહેર કર્યું. પટેલે કહ્યું કે, અમે બધા ચોંકી ગયા. અમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. અમે બેઠકમાં તેમને તેમનો કાર્યકાળ પૂરો કરવા વિનંતી કરી હતી. NCPના ઉપાધ્યક્ષ પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, “દેશના નેતા શરદ પવારજીએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું, જેને સર્વાનુમતે નકારી કાઢવામાં આવ્યું છે અને અમે તેમને પદ પર ચાલુ રાખવા અને તેમની જવાબદારી નિભાવવા વિનંતી કરીએ છીએ. અમે આ નિર્ણય લીધો છે.”
શરદ પવારે 1999માં કોંગ્રેસથી છેડો ફાડીને એનસીપી બનાવી હતી
દેશમાં હાલમાં એનસીપીના નવ સાંસદ છે. જેમાં લોકસભાના પાંચ સભ્યો અને રાજ્યસભાના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. સાથે જ પાર્ટી પાસે દેશભરમાં 57 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં 54, કેરળમાં બે અને ગુજરાતમાં એક ધારાસભ્ય છે. એનસીપીની સત્તાવાર વેબસાઈટ મુજબ દેશમાં પાર્ટીના 20 લાખ કાર્યકર્તા છે. શરદ પવારે 1999માં કોંગ્રેસથી છેડો ફાડીને એનસીપીની રચના કરી હતી. ત્યારથી તેઓ પાર્ટીના પ્રમુખ છે.





