Sudhir Suri Shot Dead: પંજાબના અમૃતસરમાં શિવસેના નેતા સુધીર સૂરીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. સૂરી એક મંદિરની બહાર ધરણાં કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ગોળી મારવામાં આવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે ગોપાલ મંદિરની બહાર કચરામાં ભગવાનની મૂર્તિઓ મળવાને કારણે તે ત્યાં ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન કોઇએ ભીડમાંથી તેમને ગોળી મારી હતી. સુધીર સૂરી શિવસેના હિન્દુસ્તાનના પ્રધાન હતા.
ગોળી વાગ્યા પછી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સુધીર સૂરી તકસાલીમાં શિવસેનાના પ્રમુખ હતા. તે મંદિરની બહાર કચરામાં મળી આવેલી ભગવાનની મૂર્તિયોને લઇને ઘણા ગુસ્સામાં હતા અને અન્ય નેતાઓ સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ગોળી મારવામાં આવી હતી. અમૃતસર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પાસેથી હથિયાર પણ મળી આવ્યું છે.
આ પણ વાંચો – મધ્ય પ્રદેશમાં કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 11 લોકોના મોત, એક ઘાયલ
જણાવી દઈએ કે કેટલાક સમયથી શિવસેના નેતા સુધીર સૂરી પર હુમલાની યોજના બનાવવામાં આવી રહી હતી. થોડા દિવસો પહેલા જ કેટલાક ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે સુધીર સૂરીને મારવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ માટે તેમની રેકી પણ કરી ચુક્યા હતા. જોકે ત્યારે તેમાં સફળ રહ્યા ન હતા. પોલીસ અને એસટીએફે તેમની પકડી લીધા હતા.
સુધીર સૂરી વ્યવસાયે ટ્રાન્સપોર્ટર હતા અને તે રાષ્ટ્રવિરોધી તત્વો સામે ખુલ્લેઆમ બોલતા હતા. આ પહેલા ગુરુવારે અન્ય એક શિવસેના નેતાના ઘર પાસે ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ ઘટનાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો.