Sikkim foundation day : આજે સિક્કિમ સ્થાપના દિવસ છે. વર્ષ 1975માં 16 મેના રોજ સિક્કિમનું ભારતમાં વિલીનીકરણ થયું હતું આથી આ તારીખ સિક્કિમ દિવસ ઉજવાય છે. સિક્કિમમાં લોકશાહી તંત્ર લાગુ કરવાન સાથે સિક્કિમ ભારતનું 22મું રાજ્ય બન્યું હતુ. સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં રજવાડાઓનું ભારતમાં એકીકરણ થયાના લગભગ બે દાયકા પછી આ રાજ્ય ભારતમાં કેમ અને કેવી રીતે જોડાયું? ચાલો વિગતવાર જાણીયે…
ઇતિહાસમાં નજર કરીયે તો આઝાદી સમયે સિક્કિમ એક રજવાડું હતું. ત્યાં ચોગ્યાલ વંશનું શાસન હતું. આ રાજવંશે સિક્કિમ પર 333 વર્ષ શાસન કર્યું. સિક્કિમની સ્થાપના 1642માં થઈ હતી. ત્રણ તિબેટીયન લામાઓએ ફૂંટસોંગ નામગ્યાલને સિક્કિમના પ્રથમ શાસક બનાવ્યા હતા. સિક્કિમનો ચોગ્યાલ રાજવંશ તિબેટીયન મૂળનો હતો. 1861માં તુમ્લોંગની સંધિ દ્વારા અંગ્રેજોએ સત્તાવાર રીતે સિક્કિમ પર અંકુશ મેલવ્યો હતો. જો કે, સત્તા તો ચોગ્યાલ વંશના રાજાઓની જ રહી હતી.
આઝાદી પછી સિક્કિમ
રજવાડાઓનું ભારતમાં વિલિનિકણની કામગીરી જોઇ રહેલા વલ્લભ ભાઇ પટેલ અને બંધારણ સભાના સલાહકાર બી.એન. રાવ સિક્કિમને ભારતમાં ભેળવવા માંગતા હતા. પરંતુ નહેરુ તેની વિરુદ્ધ હતા. વાસ્તવમાં, નેહરુને લાગ્યું કે જો ભારત સિક્કિમને જોડવાનું દબાણ નહીં કરે તો ચીન તિબેટ પર હુમલો નહીં કરે. નેહરુએ 1947માં સિક્કિમને વિશેષ દરજ્જો આપ્યો હતો.
નેહરુનું નિધન અને કરારમાં ફેરફારની માંગણી
વર્ષ 1950માં ભારત અને સિક્કિમની વચ્ચે એક કરાર થયો હતો, જેમાં એવું નક્કી કરવામાં આવ્યુ હતુ કે ત્યાં સત્તા તો રાજાની રહેશે પરંતુ વિદેશ અને સુરક્ષા સંબંધિત બાબતો ભારત સરકાર જોશે. વર્ષ 1964 સુધી સિક્કિમમાં આ કરાર હેઠળ કામગીરી થઇ હતી. જો કે જવાહરલાલ નહેરુના નિધન બાદ બાબતો બદલાઇ ગઇ. કારણ કે, આ દરમિયાન સિક્કિમના રાજા ચોગ્યાલ તાશી નામગ્યાલનું પણ નિધન થયુ અને નવા રાજા કુમાર થોંડુપની પાસે નવી યોજના હતી.

આ યોજના હેઠળ સિક્કિમની માટે ભુટાન જેવા દરજ્જાની માંગણી એટલે કે એક સ્વતંત્ર દેશની માંગણી થવા લાગી. ત્યારબાદ સિક્કિમના રાજા અને તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વચ્ચે મુલાકાતો યોજાઇ હતી. ભારતે પોતાની તરફથી સિક્કિમને પરમેનન્ટ એસોસિએશનનો દરજ્જો આપવાની ઓફર કરી હતી. પરંતુ ચોગ્યાલ સિક્કિમની આઝાદી અંગે વધારે સ્પષ્ટતા ઈચ્છતા હતા.
સિક્કિમ અને ઈન્દિરા ગાંધી
ઈન્દિરા ગાંધી પોતાના પ્રથમ કાર્યકાળમાં સિક્કિમ પર વધુ ધ્યાન આપી શક્યા ન હતા.પરંતુ 1971માં બાંગ્લાદેશ બનાવ્યા બાદ ઈન્દિરા સિક્કિમ તરફ વળ્યા હતા. તેમણે RAWના સ્થાપક આરએન કાઓને સિક્કિમ મુદ્દાનું સમાધાન કરવા જણાવ્યુ હતુ. આરએન કાવો અંગે લખાયેલા તેમના પુસ્તકમાં નીતિન ગોખલેએ જણાવ્યું છે કે, ઈન્દિરા ગાંધીના આદેશ બાદ ચાર દિવસમાં એક યોજના બનાવવામાં આવી હતી.
‘રો’નો એક્શન પ્લાન
ઈન્દિરા ગાંધીને આ એક્શન પ્લાન પસંદ આવ્યો. આ યોજના મુજબ સિક્કિમના રાજાને ધીમે ધીમે નબળો પાડવાનો હતો. એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જેમાં જનતા રાજાશાહીની વિરદ્ધ અને લોકશાહીના સમર્થનમાં એક થાય. આ માટે સ્થાનિક રાજકીય પક્ષોની પણ મદદ લેવામાં આવી હતી. સિક્કિમ નેશનલ કોંગ્રેસના નેતૃત્વમાં ત્યાં આ કામ પહેલેથી જ ચાલી રહ્યું હતું. ભારત સરકાર કોઈ પણ રીતે ત્યાં ચૂંટણી કરાવવા અને સિક્કિમ નેશનલ કોંગ્રેસને સત્તામાં લાવવા માગતી હતી.
જનતાએ રાજાના મહેલની ઘેરાબંદી કરી
વર્ષ 1973માં સિક્કિમની રાજાશાહીની વિરુદ્ધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. હજારો પ્રદર્શનકારીઓએ શાહી મહેલની ઘેરાબંદી કરી હતી. રાજાની પાસે નવી દિલ્હી પાસે મદદ માંગવા સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હતો. ભારતીય સૈનિકો ત્યાં પહોંચ્યા. છેવટે તે વર્ષે જ યોગ્યાલ, ભારત સરકાર અને ત્રણ મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે મહત્વપૂર્ણ રાજકીય સુધારાઓ દાખલ કરવા ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
એક વર્ષ બાદ 1974માં સિક્કિમમાં ચૂંટણી યોજાઈ, જેમાં કાઝી દોરજીની આગેવાની હેઠળની સિક્કિમ નેશનલ કોંગ્રેસની જીત થઇ. તે વર્ષે જ એક નવું બંધારણ અપનાવવામાં આવ્યું હતું, જેણે રાજાની ભૂમિકાને નામ માત્રના પદ સુધી મર્યાદિત કરી દીધી. સિક્કિમમાં 1975માં લોકમત યોજવામાં આવ્યો હતો, જેમાં બે તૃતીયાંશ પાત્ર મતદારોએ ભાગ લીધો હતો. અહીં રાજાશાહીને નાબૂદ કરવા અને ભારતમાં જોડાવવાની તરફેણમાં 59,637 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં માત્ર 1,496 મત પડ્યા હતા.
એક અઠવાડિયાની અંદર, ભારતના વિદેશ મંત્રાલયે ભારતીય સંઘમાં સિક્કિમને રાજ્ય તરીકે માન્યતા આપવા માટે લોકસભામાં બંધારણ (છત્રીસમો સુધારો) બિલ રજૂ કર્યું. તે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ દ્વારા હસ્તાક્ષર કર્યા પછી 16 મે 1975 ના રોજ અમલમાં આવ્યું હતું. આમ ઇન્દિરા ગાંધીની ઉંડી કોઠાસુઝ અને ‘રો’ની રણનીતિથી સિક્કિમમાં રાજાશાહીના અંત સાથે લોકશાહીનો ઉદય થયો.
Disclaimer: આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.