સિક્કિમના નાથુલા ઘાટ નજીક એક ભયંકર હિમસ્ખલન થયુ છે. આ કુદરતી દૂર્ઘટનામાં સાત પ્રવાસીઓના કરુણ મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ મંગળવારે (4 માર્ચ, 2023) આ માહિતી આપી હતી. ઘાયલોને સિક્કિમ રાજ્યના પાટનગર ગંગટોકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે બપોરે 12.20 કલાકે હિમસ્ખલન થયું હતું. આ દૂર્ઘટનામાં ઘાયલ થયેલા છ લોકોએ નજીકની સૈન્ય હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. હિમસ્ખલનમાં જીવ ગુમાવનાર કુલ છ લોકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.
હિમસ્ખલનના ઘટના સ્થળે સિક્કિમ પોલીસ, સિક્કિમના એસોસિએશન ઑફ ટ્રાવેલ એજન્ટ્સ, પર્યટન વિભાગના અધિકારીઓ અને સ્થળ પરના વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચેકપોસ્ટના ઈન્સ્પેક્ટર જનરલ સોનમ તેનઝિંગ ભૂટિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, “નાથુલા પાસ ફક્ત 13મા માઈલ માટે જ જારી કરવામાં આવે છે, પરંતુ પ્રવાસીઓ પરવાનગી વિના 15મા માઈલ તરફ ગયા હતા. આ ઘટના 15 માઈલ પર બની હતી.
રક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર જવાહરલાલ નહેરુ માર્ગ પર 14મા પડાવ દરમિયાન વહેલી સવારે થયેલા હિમસ્ખલનમાં 25-30 પ્રવાસીઓ ફસાઇ ગયા હતા . હિમસ્ખલન થયા બાદ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક ઝડપી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 22 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં ઊંડી ખીણમાંથી છ લોકોનો સમાવેશ થાય છે,” તેમણે ઉમેર્યું. અધિકારીઓએ જણાવ્યું કે નાથુ લા ઘાટથી રોડ બ્લોક થવાને કારણે રસ્તા પર લગભગ 350 લોકો અને 80 વાહનો ફસાઇ ગયા હતા, તે તમામને બહાર કાઢવામાં આવ્યા છે.