Mallikarjun Kharge:કોંગ્રેસ અધ્યક્ષ પસંદ થયા પછી મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધી પાસે મળવાનો સમય માંગ્યો હતો. તે 10 જનપથ જઇને આભાર પ્રગટ કરવા માંગતા હતા જોકે તેમને સમય મળ્યો ન હતો. કારણ કે સોનિયા ગાંધીના મગજમાં અલગ પ્લાન હતો. તે ઇચ્છતા હતા કે પોતે ખડગેના ઘરે જઈને માહોલને અલગ બનાવે. ખડગેની જીત પછી સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રા તેમના ઘરે પહોંચ્યા હતા. બન્નેએ ખડગે દંપત્તિ સાથે મુલાકાત કરી હતી.
ખડગે પરંપરાને યથાવત્ રાખતા ગાંધી પરિવાર પાસે જવા ઇચ્છુક હતા. જોકે સોનિયા ગાંધીએ લીકથી હટીને કશુંક અલગ કરવાનું મન બનાવ્યું હતું. તે પછી બધો ફોક્સ 10 જનપથના બદલે ખડગેના ઘર 10 રાજાજી માર્ગ પર રહ્યો હતો. સોનિયા સાથે પ્રિયંકા તેમના ઘરે પહોંચ્યા હતા. ફૂલનો ગુલદસ્તો આપ્યો હતો. સોનિયા અને પ્રિયંકાએ ખડગેના પત્ની રાધાબાઇ સાથે પણ ગર્મજોશીથી મુલાકાત કરી હતી.
આ પણ વાંચો – કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેટલું ભણેલા છે, કેવી રીતે થઈ રાજકીય સફરની શરુઆત?
ધ્યાન રહે કે ગાંધી પરિવારે ફક્ત એક વખત આ પરંપરાને તોડી હતી જ્યારે મનમોહન સિંહના ઘરે સોનિયા ગાંધી પોતે પહોંચ્યા હતા. તે દરમિયાન કોલસા કૌભાંડમાં પૂર્વ પીએમને સમન્સ કરવામાં આવ્યું હતું. સોનિયાએ પાર્ટી ઓફિસથી મનમોહન સિંહના ઘર સુધી રેલી કાઢી હતી. કોંગ્રેસની મજબૂતી અને એકજૂટતાની સાબિતી આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. હંમેશા કોંગ્રેસના નેતા ગાંધી પરિવારના ઘરે જઈને મુલાકાત કરતા રહે છે.
ખડગેના ઘરે જઈને ગાંધી પરિવારે સંદેશો પણ આપ્યો કે ખડગે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મંજૂર છે. આ પહેલા રાહુલ ગાંધી પણ એ કહીને ખડગેનું માન વધારતા જોવા મળ્યા કે હવે તે જ નક્કી કરશે કે પાર્ટીમાં હવે તેમની શું ભૂમિકા રહેશે. 21મી સદીમાં પ્રથમ વખત ગાંધી-નેહરુ પરિવાર સિવાય કોઇ કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ બન્યા છે.