બરેલીના SDM જ્યોતિ મૌર્ય અને આલોક મૌર્યના લગ્નના વિવાદ બાદ આવી ઘટનાઓનો સીલસીલો સામે આવવાનો શરૂ થઈ ગયો છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ સહિત અનેક જગ્યાએથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બિહારમાં એક વ્યક્તિએ પોતાની પત્નીને ભણાવીને શિક્ષિકા બનાવી, આરોપ છે કે, પત્ની શાળાના હેડમાસ્તર સાથે ભાગી ગઈ છે.
હેડમાસ્તર સાથે પત્ની ફરાર!
આ મામલો બિહારના સમસ્તીપુરના પટોરીનો હોવાનું કહેવાય છે. વૈશાલી જિલ્લાના રહેવાસી ચંદન કુમારે આરોપ લગાવ્યો છે કે, લગ્નના 12 વર્ષ બાદ તેણે તેની પત્નીને ભણાવી અને ટીચર બનાવી. આ માટે તેણે મજૂર તરીકે કામ કર્યું અને લોન પણ લીધી હતી. પત્ની શિક્ષિકા બની તો ગઈ, પરંતુ ગયા વર્ષે દુર્ગા પૂજા બાદથી તે ફરાર છે. ચંદન શાળાના હેડમાસ્તર સાથે તેની પત્ની ભાગી ગઈ હોવાનો આરોપ લગાવે છે.
પતિએ મજૂરી કામ કરીને, લોન લઈને અભ્યાસ પૂરો કરાવ્યો
ચંદને જણાવ્યું કે, તેના લગ્ન 13 વર્ષ પહેલા સરિતા સાથે થયા હતા. સરિતા લગ્ન પછી પણ ભણવા માંગતી હતી. ચંદનના કહેવા પ્રમાણે, તેણે મજૂર તરીકે કામ કર્યું, લોન લીધી અને સરિતાને ભણાવવા માટે જરૂરી શિક્ષણ અને તાલીમ અપાવી. 2022 માં, તેણીને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી મળી.
હેડમાસ્તર પર ગંભીર આરોપ
પોલીસને આપેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે, શાળાના મુખ્ય શિક્ષક રાહુલ કુમાર સરિતા પર નજર રાખતા હતા. શરૂઆતમાં ચંદન કુમાર સરિતાને જાતે જ શાળાએ છોડવા આવતા હતા, પરંતુ પાછળથી હેડમાસ્તરે તેને પોતાના ઘરની નજીક ભાડાનું મકાન અપાવ્યું હતું. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, બંને વચ્ચે સંબંધો હતા, થોડા સમય પછી પત્નીએ પણ પોતાનું રહેઠાણ બદલી નાખ્યું. બીજી તરફ, મુખ્ય શિક્ષકે તેમના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે.
BDOનું કહેવું છે કે, આખો મામલો તેમને શંકાસ્પદ લાગે છે. શિક્ષિકા ફરાર નથી, બલ્કે તે 2 મહિનાની રજા માટે અરજી કરીને શાળાએ આવી રહી નથી. તેમનો પગાર પણ કાપવામાં આવ્યો છે. ચંદન કુમારે જણાવ્યું કે, તેમની 12 વર્ષની પુત્રી અને 7 વર્ષનો પુત્ર પણ છે.
હવે સમગ્ર મામલો શું છે, તેની માહિતી પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ વૈશાલી જિલ્લાના જનદહા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ એફઆઈઆરની ખૂબ ચર્ચા થઈ રહી છે.





