Sukhdev Singh Gogamedi News : જયપુરમાં મંગળવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક સુખદેવ સિંહ ગોગામેડીની ધોળા દિવસે તેમના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે તેમની હત્યા કરવામાં આવી ત્યારે તેમની સાથે બે સિક્યુરિટી ગાર્ડ પણ હતા. આ ઘટના બાદ ગોગામેડીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. આ હુમલા દરમિયાન સિક્યોરિટી ગાર્ડને પણ ગોળી વાગી હતી. ત્યાં એક હુમલાખોર પણ માર્યો ગયો છે. તેની ઓળખ નવીનસિંહ શેખાવત તરીકે થઈ છે. ગેંગસ્ટર રોહિત ગોદારાએ આ હત્યાની જવાબદારી લીધી છે.
કોણ છે રોહિત ગોદારા?
રોહિત ગોદારા બિકાનેરના કાલુ પોલીસ સ્ટેશન વિસ્તારના લુણકરણસરનો રહેવાસી છે. તે 2010 થી અપરાધની દુનિયામાં સામેલ થયો હતો. તે રાજસ્થાનમાં લોરેન્સના ખાસ ગુર્ગામાંથી એક છે અને વિદેશમાં બેસીને અપરાધનું સંચાલન કરે છે. આ પહેલા તેમણે લાડનૂના ધારાસભ્ય મુકેશ ભાકરને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરી છે. આ ઉપરાંત તેના પર 1 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષે રોહિત ગોદારાએ ફેસબુક પર સીકરમાં ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યાની જવાબદારી સ્વીકારી હતી. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું.
આ પણ વાંચો – સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા, સીસીટીવી વીડિયો આવ્યો સામે
જયપુરની એક ક્લબમાં બિઝનેસમેનને ધમકી આપીને બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. રોહિત ગોદારા પોતાની પણ ગેંગ ચલાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર 19 વર્ષની ઉંમરમાં જ તેણે અપરાધની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. એવું કહેવામાં આવે છે કે તે પોતાની સલામતી માટે એક ખાનગી એજન્સીના બોડીગાર્ડને પણ રાખે છે. તેની ગેંગમાં 150થી વધુ યુવકો છે. પોલીસ સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદથી તેની શોધખોળ કરી રહી છે.
કોણ હતા સુખદેવ સિંહ ગોગામેડી?
સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા. વિવાદ બાદ તે આ સંગઠનથી અલગ થઇને પોતાની સંસ્થા બનાવી હતી. તેઓ તેના પ્રથમ પ્રમુખ પણ હતા. જયપુરના કિલ્લામાં ફિલ્મ પદ્માવતના શૂટિંગ દરમિયાન વર્ષ 2017માં રાજપૂત કરણી સેનાના લોકોએ તોડફોડ પણ કરી હતી. પદ્માવતના શૂટિંગ દરમિયાન ગોગામેડીએ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલીને થપ્પડ મારી હતી. સુખદેવ સિંહ ગોગામેડીએ પદ્માવતી ફિલ્મનો જોરદાર વિરોધ કર્યો હતો. આખરે મેકર્સે આ ફિલ્મનું નામ બદલીને ‘પદ્માવત’ કરી દીધું. સુખદેવસિંહ ગોગામેડી રાજપૂત સમાજના મજબૂત નેતા તરીકે જાણીતા હતા.





