Maratha Reservation : સુપ્રીમ કોર્ટે શનિવારે મરાઠા અનામત પર મહારાષ્ટ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી ક્યૂરેટિવ પિટિશનનો સ્વીકાર કર્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આને મોટી રાહત ગણાવી હતી અને કહ્યું હતું કે તેમની સરકાર મરાઠા સમુદાયને અનામત મળે તે માટે તમામ પ્રયાસો કરશે. મરાઠા સમુદાયના સભ્યોએ પણ સરકારના આ પગલાની પ્રશંસા કરી હતી.
એક મરાઠી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું કે મનોજ જારાંગે-પાટિલે ફરીથી આંદોલન નહીં કરવું પડે. સુપ્રીમ કોર્ટે અમારી ક્યુરેટિવ પિટિશન સ્વીકારી લીધી છે અને તેની સુનાવણી 24 જાન્યુઆરીએ થશે. ક્યુરેટિવ પિટિશન અમારી સરકાર દ્વારા દાખલ કરવામાં આવી છે. અમે તેના પર બે મહિના સુધી સખત મહેનત કરી હતી. અમારા પ્રયત્નોનું પરિણામ મળ્યું છે. હું મરાઠા અનામત પર પોતાનો કેસ રજૂ કરવાની તક આપવા બદલ સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે મરાઠા અનામતની તરફેણમાં દલીલ કરવા માટે સરકાર વકીલોની નિમણૂક કરશે. તેમણે કહ્યું કે અમે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયના સામાજિક પછાતપણાને સાબિત કરીશું. 2018માં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકારે મરાઠા સમુદાયને અનામત આપી હતી. ફડણવીસ શાસન દરમિયાન બોમ્બે હાઈકોર્ટમાં અનામતને માન્ય રાખવામાં આવી હતી. જોકે મહા વિકાસ આઘાડીના કાર્યકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધી હતી.
આ પણ વાંચો – નીતિશ કુમાર પોતે સંભાળશે JDUની કમાન! લલન અને લાલુની નિકટતાથી બિહારના સીએમ નારાજ
એકનાથ શિંદે કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે પણ ટિપ્પણીઓ કરી, જે પણ ખામીઓ બતાવી, અમારી સરકાર અને નિષ્ણાંત વકીલોની અમારી ટીમે તેમના પર કામ કર્યું છે અને કોર્ટમાં દલીલો રજૂ કરશે. અમે મરાઠા સમુદાયને અનામત સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સુપ્રીમ કોર્ટ તરફથી સમુદાયને ન્યાય મળે તે માટે અમે શક્ય તમામ પ્રયાસો કરીશું. મરાઠા સમુદાયને અનામત મળે એ માટે આપણા બધાનો એક જ ધ્યેય છે અને તેથી આપણે સંયમ બતાવવો જોઈએ અને ધીરજ રાખવી જોઈએ.
મરાઠા ક્રાંતિ મોરચાના સંયોજક વિનોદ પાટિલે પણ ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી. તેમણે કહ્યું કે મારી ક્યુરેટિવ પિટિશનને પહેલા સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી અને ત્યારબાદ રાજ્ય સરકારની ક્યુરેટિવ પિટિશનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. મરાઠા સમુદાય માટે આ એક મોટું ડેવલોપમેન્ટ છે. હું બે મોટા કેસો (ભોપાલ ગેસ દુર્ઘટના અને દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસ) ટાંકી શકું છું, જેમાં સુપ્રીમ કોર્ટે ક્યૂરેરિવ અરજીઓ સ્વીકારી હતી અને તેના પોતાના ચુકાદાઓને પલટી વી દીધા હતા. ચાર-પાંચ મોટા કેસ એવા છે કે જેમાં ક્યૂરેટિવ પિટિશન સ્વીતાર કરવામાં આવી હતી.