Election Commissioner Arun Goel:ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિયુક્તિને લઇને ગુરુવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઘણા સવાલો પૂછ્યા હતા. કોર્ટે બુધવારે કેન્દ્ર પાસે ચૂંટણી કમિશનરની નિયુક્તિ સાથે જોડાયેલ દસ્તાવેજ માંગ્યા હતા. ચૂંટણી કમિશનરની નિયુક્તિ પ્રક્રિયાને લઇને સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે ફરીથી સુનાવણી થઇ હતી. કેન્દ્રએ નિયુક્તિ પ્રક્રિયા સાથે જોડાયેલી ફાઇલ કોર્ટને સોપી છે. તેને જોયા પછી બેન્ચે ઘણા સવાલ પૂછ્યા હતા. એ પણ પૂછ્યું કે અરુણ ગોયલનું નામ એક જ દિવસમાં કેવી રીતે ફાઇનલ થઇ ગયું?
સુપ્રીમ કોર્ટની સંવિધાન બેન્ચે સવાલ પૂછ્યો કે ચૂંટણી કમિશનરના રૂપમાં નિયુક્તિ માટે કાનૂન મંત્રી દ્વારા પ્રધાનમંત્રીની મંજૂરી માટે મોકલાવેલા ચાર નામોને શોર્ટલિસ્ટ કરવા પાછળ શું માપદંડ હતા? બેન્ચે ચૂંટણી કમિશનરની નિયુક્તિ માટે એક સ્વતંત્ર તંત્રની માંગ કરનારી અરજીઓ પર સુનાવણી કરતા ટિપ્પણી કરી કે એ ઉચિત રહ્યું હોત જો મામલાની સુનાવણી દરમિયાન નિયુક્તિ ના કરાઇ હોત.
એક દિવસની અંદર નિયુક્તિ પર ઉઠાવ્યા સવાલ
અરજીકર્તા તરફથી હાજર થયેલા વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને સૂચિત કર્યું હતું કે અરુણ ગોયલને ગુરુવારે સેવાથી સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ આપવામાં આવી હતી અને તેમની નિયુક્તિ બે દિવસની અંદર પાક્કી કરવામાં આવી હતી. આજે ભારતના એટોર્ની જનરલ દ્વારા રજુ કરવામાં આવેલી ફાઇલોને જોયા પછી બેન્ચે એ વાત પર સવાલ ઉઠાવ્યો કે એક દિવસની અંદર જ નિયુક્તિ કેમ કરવામાં આવી? બેન્ચે એટોર્ની જનરલ આર વેંકટરમણિને એ પણ પૂછ્યું કે એક વ્યક્તિ જેમનો કાર્યકાળ 6 વર્ષના ગાળાનો પણ નહીં હોય તેમની નિમણુક કેમ કરવામાં આવી?
આ પણ વાંચો – કોર્ટમાં આફતાબ પૂનાવાલાએ કહ્યું- ગુસ્સામાં કરી દીધી શ્રદ્ધાની હત્યા, ઠીકથી ઘટના યાદ નથી
જસ્ટિસ રસ્તોગીએ કહ્યું કે 15 મે ના રોજ પદ ખાલી થયું, આવામાં સરકારે તેના પર નિયુક્તિ માટે ઉતાવળ કેમ કરી? તે જ દિવસે ક્લીયરેન્સ, તે જ દિવસે નોટિફિકેશન, તે જ દિવસે મંજૂર. ફાઇલ 24 કલાક પણ ના ફરી. આ તો વીજળીની ગતિથી પણ ઝડપી થયું. તેના પર એટોર્ની જનરલે કહ્યું કે તે બધી વાતોનો જવાબ આપશે, જોકે કોર્ટ તેમને બોલવાની તક આપે તો. જસ્ટિસે કહ્યું કે અમે જાણવા માંગીએ છીએ કે શું વ્યવસ્થા કાયમ છે અને પ્રક્રિયા ઠીક કામ કરી રહી છે? ડેટાબેસ સાર્વજનિક ડોમેનમાં છે અને કોઇપણ તેને જોઇ શકે છે?